સુરતમાં ફરી ગેંગવોર: હાર્દિકે સૂર્યા મરાઠીને રહેંસી નાંખ્યો તો સૂર્યાના માણસોએ હાર્દિકનું ઢીમ ઢાળી દીધું

સુરતમાં ગેંગવોર માથું ઉંચકી રહી છે. એક પછી એક ભાઈલોગની હત્યાની વણઝાર ચાલી રહી છે. આજે સુરતમાં બે ગેંગ વચ્ચે ઝઘડો થતાં એક ગેંગે સૂર્યા મરાઠીની હત્યા કરી નાંખી હતી તો તરત જ મરનાર સૂર્યાની ગેંગના પંટરોએ સામેવાળી ગેંગના ભાઈલોગનું ઢીમ ઢાળી દેતા સુરત પોલીસ ચોંકી ઉઠી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સૂર્યા મરાઠી અને હાર્દિકની વચ્ચે કોઈક બાબતો અણબનાવ થયો હતો. સૂર્યા મરાઠીને સોનું પહેરવાનો બહુ શોખ હતો. આજે બપોરે સૂર્યા મરાઠી કતારગામ ખાતે અખંડ આનંદ કોલેજ પાસે આવેલી પોતાની ઓફીસમા બેઠો હતો ત્યારે એક સમયના તેના સાથી હાર્દિક અને તેની ગેંગે  સૂર્યા પર જીવલેણ હૂમલો કર્યો હતો. હાર્દિકે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા સૂર્યા મરાઠીને તાત્કાલિક મહાવીર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પણ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

સૂર્યા મરાઠી પર હુમલો થયાની જાણ થતાં સૂર્યાના માણસોએ કતારગામ નજીક જ હાર્દિક અને તેની ગેંગને ઘેરી લીધી હતી અને ઉપરાછાપરી હાર્દિક પર વાર કર્યા હતા. વળતા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા હાર્દિકને નજીકની પ્રાણનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

સૂર્યા અને હાર્દિક વચ્ચે ક્યા કારણોસર ઝઘડો થયો હતો તે અંગે પોલીસ તપા કરી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.