એપ્રિલમાં આવી રહી છે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ત્રણ, કોંગ્રેસના એક સાંસદ થઈ રહ્યા છે ફારેગ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈ અત્યારથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદ ફારેગ થઈ રહ્યા છે, ત્યારે રાજ્યસભાના ગણિતને બેસાડવાનો ખેલ શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં રાજ્યસભાના સાંસદોની ચૂંટણી વિવાદ અને કાયદાકીય લડત સુધી પહોંચી હતી અને હવે એપ્રિલમાં યોજાનારી ચૂંટણી પણ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ સર્જી જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.

ભાજપના ફારેગ થઈ રહેલા સાંસદોમાં ચૂનીભાઈ ગોહિલ, મહંત શંભૂપ્રસાદ તૂંડીયા અને લાલસિંહ વડોદીયા છે, જ્યારે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી ફારેગ થઈ રહ્યા છે. નવ એપ્રિલે ચારેય સાંસદો માટે રાજ્યસભાની અંતિમ તારીખ છે અને તે પહેલાં ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી યોજવાની રહે છે.

મહત્વની વાત એ છે કે ચારેય સાંસદો એક જ તારીખે રાજ્યસભામાંથી ફારેગ થઈ રહ્યા છે. જે પ્રકારે સ્મૃતિ ઈરાની અને અરુણ જેટલીની ચૂંટણી દરમિયાન અલગ અલગ તારીખોને લઈ ફર્સ્ટ પ્રેફન્શીયલ વોટ માટે આંકડાકીય ગણિતમાં કોંગ્રેસને મહાત કરવામાં ભાજપને સફળતા મળી હતી તેવું આ વખતે બનવાની શક્યતા ધૂંધળી એટલે નહિંવત છે. ચારેય સાંસદો એક સાથે એક જ દિવસે ફારેગ થઈ રહ્યા હોવાથી ચૂંટણી પણ એક સાથે જ યોજવી પડે એવું જાણકારો જણાવી રહ્યા છે.