બળાત્કારીઓ માટે ડેથ વોરન્ટ માગતા જ્યારે નિર્ભયાની માતા કોર્ટમાં રડી પડી

નિર્ભયાની માતાએ ફાંસીની સજા પામેલા ચારેય બળાત્કારીઓને તાત્કાલિક ડેથ વોરન્ટ જારી કરવાની માગ કરતાં બુધવારે કોર્ટમાં જ રડી પડી હતી. નિર્ભયાની માતાએ જજની સામે કહ્યું હતું કે તે 7 વર્ષથી રાહ જોઇ રહી છે. જજ સામે હાથ જોડીને તેમણે કહ્યું હતું કે હું હાથ જોડીને માગ કરી રહી છું કે દોષિતો વિરુદ્ધ ડેથ વોરન્ટ જારી કરી દેવામાં આવે. તે પછી કોર્ટ બહાર પણ મીડિયા સાથે વાત કરતી વખતે નિર્ભયાની માતા ફરી રડી પડી હતી.

નિર્ભયાના દોષિતો પર નવું ડેથ વોરન્ટ જારી કરવા માટે તેના માતા-પિતા અનેં દિલ્હી સરકાર દ્વારા કરાયેલી યાચિકા પર બુધવારે દિલ્હીની કોર્ટમાં સુનાવણી થઇ હતી. કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા પછી સુનાવણી ગુરૂવાર પર પાછી ઠેલી હતી. કોર્ટમાં હાજર નિર્ભયાની માતા સુનાવણી દરમિયાન ઘણી લાગણીશીલ દેખાઇ હતી. તેમણે જજને કહ્યું હતું કે હું એક વર્ષથી પ્રયાસ કરી રહી છું કે દોષિતોને ફાંસી આપવાની તારીખ નક્કી કરવામાં આવે. હું એક માં છું. ન્યાય માટે 7 વર્ષથી રાહ જોઇ રહી છું. હું તમારી સમક્ષ હાથ જોડું છું. જજે તેમને એવું આશ્વાસન આપ્યું હતું કે તમને સાંભળવા માટે જ કોર્ટ બેઠી છે અને તમને સાંભળી જ રહ્યા છીએ.

સુનાવણી દરમિયાન નિર્ભયાના પિતાએ જજને કહ્યું હતું કે જો આજે દોષિતોને વકીલ આપવામાં આવશે તો તે નિર્ભયાની સાથે અન્યાય થયેલો ગણાશે. જજે આ અગે કહ્યું હતું કે કાયદાએ દોષિતોને કેટલાક અધિકાર આપ્યા છે, તે અધિકાર તેમને લેવા દેવામાં ન આવે તો પાછો અન્યાય જ થયેલો ગણાશે. આ પહેલા મંગળવારે પણ નિર્ભયાના માતાપિતાએ કોર્ટને કહ્યું હતું કે દોષિત ઠરેલા વ્યક્તિ કાયદાની મજાક ઉડાવી રહ્યા છે.