ટ્રમ્પની ગુજરાત મુલાકાત, બદલાઈ રહી છે અમદાવાદની સિકલ, મોટેરાનાં સાજ-શણગાર, આ છે તમામ પ્રોગ્રામની ડિટેઈલ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને ભારત આવી રહ્યા છે અને તેમના સ્વાગતની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પત્ની મેલાનીયા સાથે આવતા ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના અમદાવાદની મુલાકાત પણ લેશે, જ્યાં તેઓ એક રોડ શો કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે અહીં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું ઉદઘાટન કરવાના છે, જેના માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ અને ત્યારબાદ ગાંધી આશ્રમમાં વિશેષ સ્વાગત કરવામાં આવશે. જેની તૈયારી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિનું અમદાવાદના એરપોર્ટ પર ગુજરાતી નૃત્ય ગરબાના પ્રદર્શનથી સ્વાગત કરવામાં આવશે.

એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રોડ શોમાં અમેરિકી રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં સવાર થશે અને લોકોને શુભેચ્છા પાઠવશે અને અભિવાદન ઝીલશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. આ સિવાય તેઓ સાબરમતી રિવર ફ્રન્ટ પણ જવાના છે.

ઉલ્લેખનીય છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન પછી બંને નેતાઓ અહીં એક કાર્યક્રમને પણ સંબોધન કરશે. જેમાં એક લાખથી વધુ લોકો પહોંચશે. આ પછી બંને નેતાઓ દિલ્હી જવા રવાના થશે, જ્યાં ઔપચારિક વાતચીત કરશે.

નોંધપાત્ર વાત એ છે કે બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત આવતા પહેલા ખુશી વ્યક્ત કરી હતી. એક નિવેદનમાં તેમણે કહ્યું કે તેઓ ભારત જવા માટે ઉત્સુક છે, તેમને જણાવવામાં આવ્યું છે કે  અમદાવાદ એરપોર્ટની નજીક લાખો લોકો તેમનું સ્વાગત કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટવિટ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ લખ્યું છે કે 24-25 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્નીની ભારત મુલાકાત લઈને હું ખૂબ જ ખુશ છું, અમારા માનનીય મહેમાનોનું યાદગાર સ્વાગત કરવામાં આવશે.

પીએમ મોદીએ એક ટવિટમાં લખ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત ખાસ છે અને ભારત-અમેરિકાની મિત્રતાને મજબૂત બનાવવાની દિશામાં તે એક મહત્વપૂર્ણ પગલું હશે. ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધો ફક્ત આપણા નાગરિકો માટે જ નહીં, પરંતુ આખા વિશ્વ માટે સારા બનશે.