અમિત શાહ-યોગી આદિત્યનાથની જોડી આટલા બધા રાજ્યોમાં થઈ ગઈ ફેલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ તાકાત લગાવી હોવા છતાં સફળતા હાથ લાગી નથી. દિલ્હીમાં ભાજપના તમામ દિગ્ગજો ફ્લોપ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી વેળા રોડ શો અને રેલીઓ યોજી હતી. ભાજપ દ્વારા 5239 પ્રચાર અને પ્રસારના કાર્યક્રમો યોજ્યા હતા. 200થી વધારે સાંસદો અને ધારાસભ્યો દ્વારા ચૂંટણી પ્રચારમાં તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ જોરદાર રીતે પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. જોકે, તમામ યોજના ભારતીય જનતા પાર્ટીની ફ્લોપ રહી છે. ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાન અમિત શાહે 47 ચૂંટણી સભા કરી હતી. જેમાં ૩૫ મોટી રેલી સામેલ છે. સાથે સાથે નવ રોડ શો યોજ્યા હતા.

અમિત શાહે 60 વિધાનસભા ક્ષેત્રમાં રેલીઓ કરી હતી. બીજી બાજુ જેપી નડ્ડાએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ પ્રથમ ચૂંટણીમાં 53 રેલી કરી હતી. 70 વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટીએ તમામ તાકાત લગાવી દીધી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બાદ સંગઠનમાં સૌથી મોટી ભૂમિકા અદા કરી હતી. આવી જ રીતે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 12 રેલી કરી હતી. પહેલી ફેબ્રુઆરીથી ચોથી ફેબ્રુઆરીના દિવસે રેલી કરી હતી. પૂર્વાંચલના મતદારોને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કર્યા હતા.

ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં તમામ તાકાત લગાવી દીધી હતી. પ્રચારની જવાબદારી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સંભાળી લીધી હતી. અમિત શાહે ચૂંટણી રેલી કરવાની સાથે સાથે જનસભા તેમજ ઘેર ઘેર જઇને લોકોના મત પણ માંગ્યા હતા. દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે ફરી એકવાર જોરદાર સપાટો બોલાવીને આજે પ્રચંડ જીત મેળવી હતી. કેજરીવાલે દિલ્હીમાં આખરે હેટ્રિક નોંધાવી હતી.

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 70 સીટો પૈકી 62 સીટો જીતીને ફરી ઇતિહાસ રચ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી ચૂંટણીમાં તમામ તાકાત લગાવી હોવા છતાં કેજરીવાલની રણનીતિને પછડાટ આપવામાં સફળતા મેળવી ન હતી અને માત્ર આઠ બેઠકથી સંતોષ માનવાની ફરજ પડી હતી. જો કે, ભાજપ માટે સારા સમાચાર એ રહ્યા છે કે, 2015ની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીની મત હિસ્સેદારીમાં ઉલ્લેખનીય રીતે વધારો થયો છે જ્યારે આમ આદમી પાર્ટીને મત હિસ્સેદારીના મામલામાં નુકસાન થયું છે. ભાજપને નવેસરથી ગણતરી કરવાની જરૃર છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલે ફરી એકવાર જોરદાર સપાટો બોલાવીને જીત મેળવી લીધી છે. દિલ્હીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકબાજુ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દાને જોરદાર રીતે ઉઠાવ્યા હતા. આવી જ રીતે કેજરીવાલની પાર્ટીએ વિકાસના મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવીને ચૂંટણી લડી હતી. કેજરીવાલે પાર્ટીનુ નામ આમ આદમી પાર્ટી રાખ્યુ છે. ખાસ બાબત એ છે કે તેને સમર્થન પણ આમ આદમી તરફથી જ મળી રહ્યું છે. તેમની જીત પર જે રીતના દૃશ્યો સપાટી પર આવી રહ્યા હતા તે પણ એક સામાન્ય ભારતીયના દ્રશ્યો હતા. કેજરીવાલે દિલ્હીમાં ભ્રષ્ટાચારમુક્ત સરકાર પૂરી પાડી છે. સાથે સાથે વિભાજનકારી રાજનીતિમાં પડ્યા વગર વિકાસના એજન્ડામાં આગળ વધ્યા હતા. જેના કારણે લોકોને આ ચીજો પસંદ પડી હતી. એક ખુબ જ કુશળ રાજનેતાની જેમ જ કેજરીવાલે શાંતિ સાથે પોતાના સંદેશ પણ આપ્યા હતા.

ભાજપના જયશ્રી રામની સામે કેજરીવાલે પોતાના જય હનુમાન ઉતારી દીધા હતા. મંચ પર પહોંચતાની સાથે જ તેમના રાષ્ટ્રવાદની સામે કેજરીવાલે ભારત માતાની જયના નારા લગાવી દીધા હતા. ખાસ બાબત એ છે કે કેજરીવાલના બજરંગબલીના તેમના જયકારાથી કોઇ સમુદાયના લોકો ભયભીત થયા નથી. સાથે સાથે તેમના ભારત માતાની જયના નારાથી કોઇ સમુદાય ભયભીત પણ નથી. કોઇને પાકિસ્તાની ગણાવવાની તેમની ઇચ્છા પણ આમાં દેખાઇ ન હતી.

કેજરીવાલે ભાજપની તમામ ટીમોને હાર આપીને સાબિતી આપી દીધી છે કે સમગ્ર વિપક્ષ ઇચ્છે તો આની તાકાતનો લાભ લઇ શકે છે. ભાજપની નવી ઓફિસ પર ગઇકાલે સન્નાટો રહ્યો હતો. જ્યારે કેજરીવાલની ઓફિસ પર ઉજવણીનો દોર ચાલ્યો હતો. ભારતીય જનતા પાર્ટી જોરદાર રીતે પરાજિત થઇ ગઇ છે. કેજરીવાલની પાર્ટીની ઉજવણીનો દોર હવે આગામી કેટલાક દિવસ સુધી જારી રહી શકે છે. બીજી બાજુ શપથવિધિ માટેની તૈયારી પણ હાથ ધરવામાં આવી ચુકી છે. રાજકીય પંડિતો મુલ્યાંકનમાં વ્યસ્ત છે.

દિલ્હીમાં કારમી હાર પછી ભાજપની એનડીએ સરકારે છેલ્લાં બે વર્ષમાં 6 રાજ્યોની ચૂંટણીમાં સત્તા ગુમાવી છે. ભાજપે દિલ્હીમાં ગઈ વખતની ચૂંટણીમાં માત્ર ત્રણ સીટ મેળવી હતી અને આ વખતે ભાજપના સારા પ્રદર્શનની આશા હતી. દિલ્હી ભાજપના પ્રદેશાધ્યક્ષ મનોજ તિવારીએ પણ 48 સીટ મળશેનો આત્મવિશ્વાસ ભારોભાર વ્યક્ત કર્યો હતો પણ એ ખોટો સાબિત ઠર્યો હતો. આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટ મેળવીને પ્રચંડ જીત હાંસલ કરી હતી. જેથી હવે ભાજપ સરકારની વિરૃદ્ધ દિલ્હી સહિત 12 રાજ્યોમાં વિરોધી સરકારો છે. એનડીએ પાસે હવે 16 રાજ્યો છે, જેમાં દેશની કુલ વસતી 42 ટકા છે.

ભારતીય મતદારો ઘણાં સમજુ શાણા છે. તેઓ દેશની ચૂંટણીમાં વડાપ્રધાનના ઉમેદવારને જોઈને મતદાન કરે છે, જ્યારે રાજ્યોની ચૂંટણીમાં તેઓ સ્થાનિક મુદ્દાઓને ધ્યાને રાખીને મતદાન કરી રહ્યા છે. તેમણે રાજ્યસ્તરે ભાજપના રાષ્ટ્રવાદને ફગાવતા રાજ્યોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને મતદાન કર્યું હતું.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પાછલા 6 મહિનામાં જનતાને ઘણું મફત આપ્યું છે. તેમણે બસ અને મેટ્રોમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓને મફત યાત્રા કરાવી છે. આ ઉપરાંત તેમણે દિલ્હીવાસીઓને મફત વીજળી-પાણી આપવાની જાહેરાત કરી હતી. જે ચૂંટણીમાં મધ્યમ વર્ગને ખૂબ ગમી ગઈ હતી અને નિર્ણાયક સાબિત થઈ હતી.

બીજી બાજુ કોંગ્રેસ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, પોંડેચેરીમાં પોતાની કે સાથી પક્ષોની સાથે સત્તા ધરાવે છે. ઝારખંડમાં સરકાર રચાયા બાદ કોંગ્રેસ સાત રાજ્યોમાં સત્તા ધરાવે છે.