24મી ફેબ્રુઆરીએ ટ્રમ્પ આવશે ભારત, અમદાવાદમાં તડામાર તૈયારીઓ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ઐતિહાસિક પ્રથમ યાત્રાએ આવી રહ્યા છે. તેમની હાઇપ્રોફાઇલ ભારત યાત્રા 24મી ફેબ્રુઆરીના દિવસથી શરૃ થઇ રહી છે. બે દિવસની ભારત યાત્રા દરમિયાન ટ્રમ્પ નવી દિલ્હી અને અમદાવાદમાં રહેશે. તેમની ભારત યાત્રાથી સંબંધ નવી ઉંચાઇ પર પહોંચે તેવા સંકેત છે. ટ્રમ્પની ભારત યાત્રાને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે.

આજે સવારે વ્હાઇટ હાઉસ દ્વારા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી દ્વારા આજે સવારે જાહેરાત કરવામાં આવી હતી કે ટ્રમ્પની સાથે ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પણ આવશે. તેઓ 24-25મી ફેબ્રુઆરીના બે દિવસ ભારતમાં રહેશે. તેમણે કહ્યુ હતુ કે ટ્રમ્પ અને મોદી વચ્ચે આ સપ્તાહમાં જ ફોન પર વાતચીત થઇ છે. મોદીના વતન રાજ્ય ગુજરાત અને અમદાવાદમાં ટ્રમ્પના કેટલાક કાર્યક્રમ છે.

ટ્રમ્પથી પહેલા અમેરિકાના પ્રમુખ રહેલા બરાક ઓબામાએ 2010 અને 2015માં ભારતની યાત્રા કરી હતી.મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ હેલિકોપ્ટર મારફતે પહોંચશે તેવું આયોજન થઇ રહ્યું છે. ટ્રમ્પના અમદાવાદ કાર્યરક્રમને ધ્યાનમાં રાખીને ૨૫ હજારથી પણ વધુ સુરક્ષા જવાનો ગોઠવવામાં આવનાર છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાના લોકાર્પણ અર્થે આવવાના હોઇ તેને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને રાજય સરકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ખાસ કરીને મોટેરા અને તેની આસપાસના દસ કિલોમીટરના વિસ્તારમાં પોલીસ અને તંત્રના માણસો દ્વારા એક પ્રકારે કહીએ તો, ઝીણવટભર્યુ સ્કેનીંગ અને સઘન ચેકીંગ ચાલી રહ્યા છે. તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવાની તજવીજ હાથ ધરી છે.

ટ્રમ્પ અને મોદીની મુલાકાત ટાણે મોટેરા અને તેની આસપાસનો દસ કિમીનો વિસ્તાર અભેદ્ય લોખંડી કવચમાં ફેરવાઇ જશે. આ બંને મહાનુભાવોની આગામી મુલાકાતને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રાતોરાત રોડ, રસ્તા, ફુટપાથ, દિવાલોને રંગરોગાન સહિતની સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ બનાવી દેવાઇ છે. તો, વિશ્વના સૌથી મોટા એવા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યારથી જ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સ્ટેડિયમની અંદરના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને પાસ વગર પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. તેમજ જે રૃટ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી પસાર થવાના છે તે તમામ જગ્યાના રેસિડેન્ટ એરિયાનું સ્કેનીંગ કરવામાં આવી રહ્યું છે. ભાટ રોડથી શરૃ કરીને સાબરમતી ટોલનાકા, પરિમલ અને કોટેશ્વર વાળો રોડ, મોટેરા ગામ અને સ્ટેડિયમ સહિત અંદાજે ૧૦ કિલો મીટર જેટલા વિસ્તારનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

સ્ટેડિયમની આસપાસના તમામ બંગલોઝ, સોસાયટી, ફ્લેટ, ચાલી અથવા તો સીંગલ મકાન હોય તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે ચાંદખેડા પોલીસ, સાબરમતી પોલીસ તેમજ ઝોન-૨નો પોલીસ સ્ટાફ ઘરે ઘરે જઈ કરી રહી છે. ઘરમાં કેટલા સભ્યો છે, ક્યાંના રહેવાસી છે, કેટલા સમયથી રહે છે, ભાડૂઆત છે કે પોતાનું મકાન છે?, ભાડૂઆત છે તો કેટલા સમયથી રહે છે તેની પોલીસ સ્ટેશનમાં નોંધ કરી છે કે કેમ તે તમામ વિગતો મેળવી તેનો ડેટા બનાવવામાં આવી રહ્યો છે.