બહુ ગાજેલા અલ્કા લાંબાને મળ્યા માત્ર આટલા જ મત, થયો ભૂંડામાં ભૂંડો પરાજ્ય

આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા. જેમાં આમ આદમી પાર્ટીને એકવાર ફરી પ્રચંડ બહુમત મળ્યું છે. અરવિંદ કેજરીવાલની આપ પાર્ટી હવે એકવાર ફરી દિલ્હીમાં સરકાર બનાવશે. જીત બાદ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાનો આભાર પણ માન્યો. પરંતુ આ ચૂંટણીમાં લોકોને ચાંદની ચોક સીટ પર બે પક્ષ પલટુ ઉમેદવારો વચ્ચે જબરદસ્ત મુકાબલો થવાની આશા હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે આમ આદમી પાર્ટીના પ્રહલાદ સિંહ સાહની અને કોંગ્રેસની અલ્કા લાંબાની વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળશે, પરંતુ પરિણામ ચોંકાવનારા રહ્યા.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીના હાઈ પ્રોફાઇલ ઉમેદવાર અલ્કા લાંબા ખૂબ જ ખરાબ રીતે હાર્યા છે. જ્યારે આપના પ્રહલાદ સાહનીએ મત ટકાવારીની દ્રષ્ટિએ સૌથી મોટી જીત હાંસલ કરી છે. ચાંદની ચોક વિધાનસભા બેઠક પર ચૂંટણી લડતા પ્રહલાદ સિંહ સાહનીને અંદાજે 50,845 વોટ મળ્યા છે. જ્યારે અલ્કા્ લાંબાને માત્ર 3,876 મત જ મળ્યા છે. તેઓ ત્રીજા નંબરે રહ્યા. બીજા નંબરે સુમન કુમાર ગુપ્તા રહ્યા જેમને 21,260 વોટ મળ્યા. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની નજીક રહેલ પ્રહલાદ સિંહ સાહનીની ગણના ચાંદની ચોકના મોટા નેતામાં થાય છે. તે ચાર વખત ધારાસભ્ય રહી ચૂંક્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ વખતે પણ પ્રહલાદ સિંહ સાહનીને કોંગ્રેસમાંથી ટિકિટ મળવાની અપેક્ષા હતી. પરંતુ આપને છોડી અલ્કા લાંબા કોંગ્રેસમાં સામેલ થતા તેમને ટિકિટ આપવામાં આવી હતી. તેથી કોંગ્રેસના સર્વોચ્ચ નેતૃત્વથી નારાજ થઈ પ્રહલાદ સાહની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલને મળી આપ પાર્ટી સાથે જોડાયા હતા. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં અલ્કા લાંબાએ તેમણે હરાવ્યા હતા. પરંતુ આ વખતે આપ સાથે જોડાઈ પ્રહલાદ સિંહ સાહનીની જીત થઈ છે.