દિલ્હી વિધાનસભા પરિણામ : ટ્રેન્ડ શરૂ થતાની સાથે કોંગ્રેસ ઉમેદવારે હાર સ્વિકારી

દિલ્હી વિઘાનસભા ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થયા અને જેવા ટ્રેન્ડ આવવાના શરૂ થયા તેની સાથે જ કોંગ્રેસના એક ઉમેદવાર મુકેશ શર્માએ પોતાની હાર સ્વિકારી લીધી હતી. વિકાસપુરી બેઠક પર આમ આદમી પાર્ટીના મહિન્દર યાદવ આગળ ચાલી રહ્યા હતા અને બીજા સ્થાને ભાજપના સંજય સિંહ હતા અને તેના કારણે મુકેશ શર્માએ પહેલાથી જ પોતાની હાર સ્વીકારી લીધી હતી.

વિકાસપુરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવાર મુકેશ શર્માએ ટિ્વટ કરીને કહ્યું હતું કે હું મારી હાર સ્વિકારીને વિકાસપુરી વિધાનસભા વિસ્તારના તમામ મતદારો તેમજ કોંગ્રેસ કાર્યકરો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છુ અને આશા રાખું છું કે આ વિસ્તારનો ચેમુખી વિકાસ થશે. હું ભવિષ્યમાં પણ દિલ્હી, વિકાસપુરી તેમજ ઉત્તમ નગર વિધાનસભા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત લડતો રહીશ.

મુકેશ શર્માનું કહેવું છે કે હું કાઉન્ટીંગ સેન્ટરની અંદર નહીં ગયો, પણ મને મારા સૂત્રો દ્વારા માહિતી મળી ગઇ હતી કે હું પહેલા રાઉન્ડમાં પાછળ છું, તેથી મેં મોટાઇ બતાવીને હાર સ્વિકારી લીધી છે. તેમનું કહેવું હતું કે શરૂઆતના જે ટ્રેન્ડ આવ્યા છે, તેમા કોંગ્રેસનો ખરાબ પરાજય દેખાઇ રહ્યો છે.