નવસારીમાં પ્રિન્સીપલની બદલી કરાતા ગામલોકો વિફર્યા, શાળાને મારી દીધા તાળા

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળા અને કુંભાર ફળિયા પ્રાથમિક શાળા એમ આ બંન્ને પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8ના વર્ગો આવેલા છે. જેમાં મુખ્ય પ્રાથમિક શાળામાં 170 અને કુંભાર ફળિયા પ્રાથમિક શાળામાં 104 જેટલા આદિવાસી પરિવારના બાળકો અભ્યાસ કરે છે. ત્યારે સાદડવેલ ગામની મુખ્ય પ્રાથમિક શાળાના રાકેશ પટેલ અને કુંભાર ફળિયા પ્રાથમિક શાળામાં મહેશ પરમાર નામના આચાર્યો ફરજ બજાવતા આચાર્યોની બદલી સીઆરસી તરીકે થતા શાળામાં શિક્ષકોની ઘટ થનાર છે. સાથે જ આ બંન્ને આચાર્યોએ શાળામાં આદર્શ શિક્ષક તરીકે સેવા બજાવી હોય જેથી સાદડવેલ ગામના લોકોએ જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારીને ગત પાંચમી તારીખ ના રોજ એક આવેદનપત્ર આપી બદલીને રદ કરવાની માંગ કરી હતી.

બંન્ને આચાર્યોને બદલીનો ઓર્ડર રદ ન કરાતા આજે સોમવારના રોજ આ બન્ને શાળાની બહાર મુખ્ય માર્ગ ઉપર મંડપ બાંધી બાળકોના વાલીઓ આંદોલન કરી ધરણા યોજી રસ્તા રોકો આંદોલન કર્યું હતું. સાથે જ શાળાને તાળાબંધી કરી શાળામાં બાળકોને ન બેસાડી ખેતરમાં મંડપ પાડીને ભણતર અપાવવામાં આવ્યુ હતું. સ્થળ પર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધસી આવી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગામ લોકોએ આચાર્યોની બદલી રદ કરવાની માંગ પર અડગ રહ્યા હતા.