CAA-NRC વિરુદ્વના પ્રદર્શનમાં જામીયાના સ્ટુડન્ટ્સ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, અનેકને ઈજા

દિલ્હીની જામીયા મીલીયા ઇસ્લામીયાના વિદ્યાર્થીઓએ નાગરિકતા કાયદાની વિરુદ્ધ પદયાત્રા કાઢી હતી. દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના ન્યૂઝ મળી રહ્યા છે. આ ઘર્ષણમાં કેટલાક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. દિલ્હી પોલીસ વિદ્યાર્થીઓને સંસદ તરફ કૂચ કરતા અટકાવી રહી હતી. કેટલાક વિદ્યાર્થીઓનો આરોપ છે કે પોલીસે તેમના ઉપર હુમલો કર્યો હતો.

જામીયાની વિદ્યાર્થિનીએ આ અંગે કહ્યું કે તેના પર મહિલા પોલીસકર્મીએ હુમલો કર્યો હતો અને બુરખા ઉતારી દીધા હતા. તે જ સમયે  સમાજવાદી પાર્ટીના સત્તાવાર ટવિટ હેન્ડલે ટવિટ કર્યું કે દિલ્હીમાં સીએએ વિરુદ્ધ શાંતિપૂર્ણ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ખૂબ દુખદ છે. બંધારણ વિરોધી કાયદાના વિરોધનો મૂળભૂત અધિકાર પણ સત્તા હેઠળ કચડાઈ રહ્યો છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સંવેદના છે અને આ કાયરતાની નિંદા કરીએ છીએ.

સીએએ, એનઆરસી અને એનપીઆર સામેની આ કૂચનું આયોજન જામિયા સંકલન સમિતિ (જેસીસી) કર્યું છે. સંસદ તરફ કૂચ દરમિયાન પોલીસે ઓખલામાં હોલી ફેમિલી હોસ્પિટલ સામે દેખાવકારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન બંને પક્ષ સામ-સામે આવી ગયા હતા.

પોલીસે હોલી ફેમિલી હોસ્પિટલ નજીક વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જ દેખાવકારોને પાછા ચાલ્યા જવા માટે કરવામાં આવ્યું હતું, પરંતુ હોલી ફેમિલી હોસ્પિટલ નજીક દેખાવકારો અને પોલીસ વચ્ચે મડાગાંઠ થઈ હતી.

સુરક્ષા દળોએ દેખાવકારો પર ત્યારે લાઠીચાર્જ કર્યો હતો કે જ્યારે દેખાવકારોએ પોલીસ પર પાણીના પાઉચ ફેંકી દીધા હતા અને ગાળો આપી હતી.સીએએ વિરોધી કૂચ જામિયા મીલીયા ઇસ્લામીયાથી ભારે સુરક્ષા વચ્ચે સોમવારે શરૂ થઈ હતી. પોલીસે શરૂઆતમાં વિરોધીઓને કૂચ કરવાની મંજૂરી આપી ન હતી.

જામીયા સંકલન સમિતિ દ્વારા સીએએ અને એનસીઆર વિરુદ્ધ સંસદ સુધીની કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીના શહીદ દિવસ પર બાપુની સમાધિ રાજઘાટ સુધી 30 જાન્યુઆરીએ આવી જ કૂચ કાઢવામાં આવી હતી, આ દરમિયાન પોતાને રામ ભક્ત ગણાતા એક યુવકે સીએએને ટેકો આપતા સૂત્રોચ્ચાર કરતા વિરોધીઓ પર ગોળી ચલાવી હતી, જેમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી.