ગુજરાત ATSને હાથે ઝડપાયેલો મુનાફ જામનગરના 1500 કરોડના ડ્રગ્સ રેકેટમાં હતો વોન્ટેડ

ગુજરાતની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (ATS)ને 1500 કરોડ ડ્રગ્સ કેસ મામલે સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ગુજરાત  ATS દ્વારા ઈન્ટરનેશનલ ડ્રગ માફીયા મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે મુંબઈ એરપોર્ટ પરથી ઝબ્બે કરવામાં આવ્યો છે. 1500 કરોડના ડ્રગ્સ કેસનો તે મુખ્ય સૂત્રધાર હોવાનું માનવામાં આવે છે.. એટલું જ નહીં, મુનાફ મુસા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે.

2018માં જામનગર પાસેથી 1500 કરોડનો હેરોઈનનો જથ્થો ગુજરાત ATS દ્વારા જપ્ત કરાયો હતો. જેમાં અઝીઝ અને રફીફ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો લઈ ગુજરાતના દરિયાકાંઠે ઉતારી ઉંઝાથી જીરૃ અને મસાલાના ટ્રકોમાં છુપાવી પંજાબમાં સપ્લાય કરવાનો હતો. પણ તે અગાઉ જ એટીએસ દ્વારા આ ડ્રગ્સ રેકેટને દબોચી લેવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન મુનાફ શંકાના દાયરામાં આવ્યો હોવાનું સૂત્રો જણાવે છે.

કેટલાક સમય અગાઉ જ આ કેસના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા મુખ્ય આરોપી સિમરનજીતસિંઘ સંધૂની ઈન્ટરપોલની રેડકોર્નર નોટીસના આધારે ઈટાલીથી ધરપકડ કરાઈ હતી. ઈટાલીથી જ સમગ્ર નેટવર્ક સંભાળતો સિમરનજીતસિંઘ ત્યાં પકડાયો હોવાની માહિતી મળતા હવે એટીએસની ટીમ દ્વારા તેનો કબજો મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.