દિલ્હીની ચૂંટણી બાદ શાહીન બાગમાં શું છે સ્થિતિ? પ્રદર્શનકારીઓ માંગણીઓ પર અડગ, આંદોલન જારી

એવું મનાતું હતું કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ શાહીન બાગમાંથી પ્રદર્શનકારીઓ આંદોલન સમેટી લેશે. ભાજપ અને તેના સાથી પક્ષોએ પણ આવી જ વાતનો પ્રચાર કર્યો હતો. ભાજપે શાહીન બાગને દિલ્હીની ચૂંટણીમાં મોટો મુદ્દો બનાવ્યો હતો પરંતુ એક્ઝિટ પોલના તારણો ભાજપને ફાયદો થી રહ્યો હોવાનું જણાવી રહ્યા નથી.

આ દરમિયાનમાં મીડિયાએ શાહીન બાગના પ્રદર્શનકારીઓ સાથે વાત કરી તો પ્રદર્શનકારીઓએ જણાવ્યું કે શાહીન બાગ અને દિલ્હી વિધાનસભાની ચૂંટણી બન્ને અલગ અલગ બાબત છે. ચૂંટણી આવીને જતી રહી છે પણ મૂળભૂત રીતે સીએએ અને એનસીઆર અંગેની અમારી માંગણીઓ અકબંધ છે.

પ્રદર્શનકારી મહિલાએ જણાવ્યું કે જ્યાં સુધી સંસદમાં વડાપ્રધાન અમારી માંગણીઓ અંગે જાહેરાત નથી કરતાં ત્યાં સુધી પ્રદર્શન ચાલુ રહેશે. દિલ્હીની ચૂંટણી સાથે શાહીન બાગને કશું લાગતું વળગતું નથી. અન્ય એક પ્રદર્શનકારીએ જણાવ્યું કે દિલ્હીના લોકોએ પોતાની સમસ્યા, હેલ્થ, એજ્યુકેશનને લઈ મતદાન કર્યું છે. શાહીન બાગને લઈને મતદાન કર્યું નથી. ભાજપ અંદરો અંદર લડાવી રહ્યું છે એ હવે લોકો સમજી ગયા છે.