દિલ્હીમાં એક્ઝિટ પોલના અલગ સંકેત છતાં ભાજપ છે ખુશ!!

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા પછી શનિવારે સાંજે જ જે એક્ઝિટ પોલ સામે આવ્યા તે તમામના પરિણામો જોવા છતાં ભાજપ ખુશ છે અને દિલ્હીમાં પોતાની જ સરકાર બનવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓનું માનવું છે કે આમ આદમી પાર્ટી 30-32 બેઠકોથી વધુ જીતી શકવાની નથી, જ્યારે ભાજપ 36થી 38 બેઠકો જીતીને સરકાર બનાવવામાં સફળ રહેશે, ભાજપ નેતાઓએ તો એવુ પણ આકલન કર્યું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસને પણ એકાદ બે બેઠકો મળી શકે છે.

એક્ઝિટ પોલના પરિણામોને ફગાવી દેવા પાછળ ભાજપના નેતાઓ અલગ અલગ તર્ક આપી રહ્યા છે. સૌથી મોટો તર્ક તો પોલ કન્ડક્ટ કરવાનો સમય અને તેની સેમ્પલ સાઇઝ બાબતે અપાઇ રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષે રવિવારે ટિ્વટ કરીને એક્ઝિટ પોલના પરિણામો સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું માનવું છે કે તેમાં 3 મહત્વના ફેક્ટર સામેલ જ નથી. સૌથી મોટું ફેક્ટર તો એ છે કે અંતિમ બે કલાકમાં લગભગ 17 ટકા મતદાન કરાયું હતું અને તેને કોઇ રીતે અવગણી શકાય તેમ નથી. બીજુ મહત્વનું ફેક્ટર એ રહ્યું છે કે ઇવીએમની ખરાબી બાબતે આપ દ્વારા અત્યારથી જ વાર્તા ચાલુ કરી દેવામાં આવી છે અને ત્રીજું છે એક્ઝિટ પોલના પરિણામો. તેમણે વધુમા કહ્યું હતું કે કેટલાક પરિબળોને એક્ઝિટ પોલ ઉપરાંત કંઇ થવાની આશંકા છે.

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીનું કહેવું છે કે શનિવારે દિવસભર જેટલા બૂથ પર ગયા, ત્યાં ભાજપની લહેર જોવા મળી હતી. તેમણે કહ્યું હતું કે મને એ જાણકારી મળી છે કે પોલિંગ બૂથો પર 50 ટકાથી વધુ લોકોએ ભાજપના ટેબલ પરથી મતદાન માટેની સ્લીપ લીધી હતી. મને આશા છે કે આ તમામે ભાજપની તરફેણમાં મતદાન કર્યું હશે. તિવારીએ એવો દાવો પણ કર્યો હતો કે કેટલાક બૂથ પર તો આપનું ટેબલ સંભાળવા માટે કોઇ હતું પણ નહીં તેનાથી જ એ અંદાજો આવી જાય છે કે એ બૂથ પર શું પરિણામ આવશે.