CAA પર બોલ્યા ઔવેસી: “મૈં વતન મેં રહુંગા લેકિન કાગઝ નહીં દિખાઉંગા”

AIMIM ચીફ અસદુદ્દીન ઔવેસીએ મોદી સરકાર પર નિશાન સાધી ડોક્યુમેન્ટ્સ માટે પડકાર ફેંક્યો હતો. ઔવેસીએ કહ્યું કે જો મારા દિલ પર ગોળી વાગવાની હશે તો હું ખુશીથી ગોળી ખાવા માટે તૈયાર છું. જે મોદી-શાહ વિરુદ્વ અવાજ ઉઠાવશે એ મર્દે મુજાહીદ છે. મૈં વતન મેં રહુંગા, લેકિન કાગઝ નહીં દિખાઉંગા. જો ડોક્યુમેન્ટ્સ બતાવવાની વાત કરાશેતો છાતી બતાવીશું અને ગોળી ખાઈશું.

તેમણે જણાવ્યું કે ગોળી મારવા માંગો છો તો કહો ક્યાં આવવાનું છે. તમે કહો ત્યાં આવીને ગોળી ખાવાની અમારી તૈયારી છે. પણ અમે આ દેશમાં જ રહીશું અને આ દેશમાં જ મરીશું. દેશ છોડીને જઈશું નહીં. તમારે ગોળી મારવી જ હોય તો દિલ પર મારજો કારણ કે આ દિલમાં દેશનો પ્રેમ છે.

તેમણે કહ્યું કે હવે અમારાથી બીજી હિજરત(માતૃભૂમિનો ત્યાગ) થશે નહીં. અમે આ દેશમાં જ જન્મ્યા અને દેશમાં જ ફના થઈશું. અમારી પાસે ભારતીય નાગરિક હોવાના પુરાવા માંગનારાઓ હોય છે કોણ? આટલા વર્ષો પછી અમને પૂછવામાં આવી રહ્યા છે કે તમે ભારતીય છો કે નહીં. અમે ભારતીય જ છીએ અને ભારતીય તરીકે જ મરવાના છીએ.

નોંધનીય છે કે દિલ્હીના શાહીન બાગમાં પંદરમી ડિસેમ્બરથી CAA વિરુદ્વ પ્રદર્શન ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે રોડને જામ નહીં કરવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હીની ચૂંટણીમાં પણ શાહીન બાગ મોટો રાજકીય મુદ્દો બન્યો હતો. 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચૂંટણી યોજાઈ હતી અને આવતીકાલે દિલ્હીની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે.