શરદ પવાર માટે મંદિરમાં પ્રવેશબંધીની કરી જાહેરાત તો NCP સુપ્રીમોએ આપ્યો આવો જવાબ

વારકરીઓના એક સંપ્રદાય દ્વારા શરદ પવારને નાસ્તિકવાદ ફેલાવવાનો આરોપ લગાવીને ધાર્મિક કાર્યક્રમોમાં આમંત્રણ આપવાનું બંધ કરવાના એલાનનો જડબાતોડ જવાબ આપતાં એનસીપીસુપ્રીમો શરદ પવારે જણાવ્યું હતું કે મંદિરમાં દર્શન માટે જવા મારે કોઈની પરવાનગીની આવશ્યકતા નથી.

રાષ્ટ્રીય વારકરી પરિષદે તાજેતરમાં જ નિવેદન જાહેર કરીને વારકરી સમાજને એવી હાકલ કરી હતી કે અત્યારના નાસ્તિક શાસકોને કોઈપણ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડામાં ઉદ્ધાટન કે પછી પરિસંવાદ માટે બોલાવવા નહીં.

પરિષદે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ‘માનનીય શરદ પવાર સાહેબ કહે છે કે ‘રામાયણ’ની કોઈ જરૂર નથી. તેઓ એવા લોકોને ટેકો આપી રહ્યા છે, જેઓ ભગવાન, સાધુ સંતો અને હિંદુ ધર્મનું અપમાન કરે છે. આથી વારકરી સમાજે ભવિષ્યમાં સાવધાન રહેવાની આવશ્યકતા છે અને હંમેશા યાદ રાખજો કે તેઓ પહેલાં હિંદુ છે.’

પરિષદે પોતાના નિવેદનમાં વારકરી સમાજને એવી અપીલ કરી હતી કે આવા રાજકારણીઓને ધાર્મિક કાર્યક્રમો, ઉદ્ધાટનોમાં અથવા તો સંબોધન માટે બોલાવવા નહીં. સંપ્રદાય દ્વારા કરવામાં આવેલી આ અપીલનો જવાબ આપતાં શરદ પવારે આળંદીમાં જણાવ્યું હતું કે પંઢરપુરમાં આવેલા વિઠોબાના મંદિરમાં જવા માટે અને ત્યાં પૂજા કરવા માટે મારે કોઈની પરવાનગીની આવશ્યકતા નથી.

તેમણે જણાવ્યું કે જો તમે વિઠ્ઠલ ભગવાનની પુજા કરવા માગતા હો તો તમારે પંઢરપુર જવું પડે છે. જો તમારે જ્ઞાનેશ્વરની અને તુકારામની પુજા કરવી હોય તો તમારે આળંદી અથવા દેહુ રોડની મુલાકાત લેવી પડે છે. આ સ્થળોની મુલાકાત લેવા માટે કોઈની પરવાનગીની આવશ્યકતા નથી. આથી જો કોઈ એવું કહેતા હોય કે આ સ્થળોની મુલાકાત લેવા માટે તમારી પાસે પરવાની નથી તો મને લાગે છે કે તેઓ વારકરી સંપ્રદાયનો અર્થ જ સમજી શક્યા નથી. એક સાચો વારકરી ક્યારેય આવું વલણ અપનાવી જ ન શકે. મને લાગે છે કે આપણે આવી બધી બાબતોને ભૂલીને આપણી પોતાની પસંદગીને આધારે ચાલવું જોઈએ.’

તેમણે આ પ્રસંગે વારકરી સમાજને ખુશ કરવા માટે એક મોટી જાહેરાત કરી હતી. વારકરી સંપ્રદાય ઈંદ્રાયણી નદીને પવિત્ર માને છે અને આ નદીને ગંગાને ધોરણે સ્વચ્છ કરવાની માગણી તેઓ લાંબા સમયથી કરી રહ્યા છે. શરદ પવારે નારાજ વારકરીઓને પોતાના પક્ષમાં લેવા માટે શનિવારે એવું એલાન કર્યું હતું કે ‘વારકરી સમાજ સાર્વજનિક હિતમાં નદીની સફાઈ કરવાની માગણી કરી રહી છે અને તેમની માગણી પૂરી કરવામાં આવશે. નદીની સફાઈનું શ્રેય પવાર ખાનદાનમાં જન્મેલા વ્યક્તિને જ મળશે.’ જોકે આવું નિવેદન કરતી વખતે તેમણે ઉલ્લેખ કર્યો ન હોવા છતાં તેમનો સંકેત અજિત પવાર તરફ હતો એવું સ્પષ્ટ જણાતું હતું.