સચિન તેંદુલકર : ઓસ્ટ્રેલિયન ટી-શર્ટ, ઉધારની બેટ, પાંચ વર્ષ પછી બેટિંગ છતાં પહેલા બોલે ચોગ્ગો

ભારતના મહાન દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલરકર ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી બુશફાયર ચેરિટી મેચમાં રિકી પોન્ટીંગની ટીમના કોચ તરીકેની ભૂમિકા અદા કરવા પહોંચ્યો હતો. જો કે ચાહકોની તેના પ્રત્યેની લાગણીને કારણે ઇનિંગ્સ બ્રેક દરમિયાન સચિન બેટિંગ કરવા ઉતર્યો હતો. સચિન ઓસ્ટ્રેલિયન ટી-શર્ટ પહેરીની ઉધારની બેટ સાથે પાંચ વર્ષ પછી મેદાનમાં બેટિંગ માટે ઉતર્યો હતો અને તેણે પહેલા જ બોલે ચોગ્ગો ફટકાર્યો હતો.

પાંચ વર્ષ પછી મેદાન પર ઉતરેલા સચિન માટે દર્શકોની લાગણી અને પ્રેમ એવો ને એવો જ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની ખેલાડી એલિસ પેરીએ સચિનને બોલ ફેંક્યો હતો અને સચિને ફાઇન લેગ બાઉન્ડરી પર ચોગ્ગો ફટકાર્યો હતો. સચિન આ પહેલા છેલ્લે ઓલસ્ટાર્સ સીરિઝમાં સચિન બ્લાસ્ટર્સ ટીમ વતી નવેમ્બર 2015માં ટી-20 મેચ રમ્યો હતો અને તે સમયે તેણે 56 રન બનાવ્યા હતા.

ગોડ ઓફ ક્રિકેટના નામે જાણીતા સચિન આ મેચ દરમિયાન એક ઓવર બેટિંગ કરવા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીએ સચિનને પોતાની બોલિંગમાં બેટિંગ કરવાનો પડકાર ફેંક્યો હતો અને તેના કારણે સચિન એ પડાકર ઝીલીને બેટિંગ માટે આવ્યો હતો. એક ઓવર બેટિંગ કરવા આવેલો સચિન તરત જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા માંડ્યો હતો અને તેનો એક વીડિયો આઇસીસીએ શેર કર્યો હતો. તે જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે ફરી એકવાર તેના દાયકામાં ગ્રાઉન્ડમાં જે સાંભળવા મળતું હતું તે સચિન સચિનનો ગુંજારવ ચાલુ થઇ ગયો હતો. સચિન ડેન ક્રિસ્ટીયન પાસેથી બેટ લઇને બેટિંગ કરવા ઉતર્યો હતો.