દિલ્હીના મતદાનના આંકડા જાહેર, 62.59 ટકા વોટીંગ: ચૂંટણી પંચનો મોટો ખુલાસો, આ કારણોસર થયું મોડું

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેટલું મતદાન થયું તેેને લઈને ભારે ગરમાટો ચાલી રહ્યો હતો. ખુદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મતદાનની ટકાવારીમાં થયેલા વિલંબ અંગે ચૂંટણી પંચ સામે સવાલો ઉભા કર્યા હતા. હવે ચૂંટણી પંચે મતદાનની ટકાવારી જાહેર કરી છે. ચૂંટણી  પંચના જણાવ્યા મુજબ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 62.59 ટકા વોટીંગ થયું છે.

દિલ્હીની ચૂંટણીના મતદાનની ટકાવારી જાહેર કરતાં પંચે જણાવ્યું કે ગઈ મોડી રાત સુધી વોટીંગ ચાલુ રહ્યું હતું અને ડેટા કલેક્ટ કરવામાં આવી રહ્યા હતા. બલ્લીમારાન વિધાનસભા વિસ્તારમાં વધુ મતદાન નોંધાયું હતું.

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીરસિંહે જણાવ્યું કે દિલ્હી વિધાનસભામાં 62.59 ટકા વોટીંગ થયું છે. આ મતદાન લોકસભાની ચૂંટણી કરતાં બે ટકા વધારે છે.

તેમણે કહ્યું કે દિલ્હીની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન 71.6 ટકા બલ્લીમારાન વિધાનસભામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન દિલ્હી છાવની વિધાનસભામાં 45.4 ટકા નોંધાયું છે.