કોંગ્રેસે દિલ્હીના એક્ઝિટ પોલ ફગાવી કહ્યું : અમારું પ્રદર્શન સારું રહેશે

કોંગ્રેસના દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રભારી પીસી ચાકોએ એક્ઝિટ પોલના પરિણામોને ફગાવીને કહ્યું હતું કે સાચા પરિણામો તેનાથી સાવ અલગ હશે. તેમણે કહ્યું હતું કે કોગ્રેસ પાર્ટીના સર્વે અનુસાર તેમનું પ્રદર્શન વધુ બહેતર રહેશે. ચાકોએ કહ્યું હતું કે અમારી દૃષ્ટિએ એક્ઝિટ પોલના પરિણામો સાચા નથી.

એ ઉલ્લેખનીય છે કે શનિવારે મતદાન પૂર્ણ થયા પછી સામે આવેલા તમામ એક્ઝિટ પોલના પરિણામોમાં આમ આદમી પાર્ટી (આપ)ની સત્તાવાપસીના સંકેત સામે આવ્યા હતા, જ્યારે કોંગ્રેસની સ્થિતિ પહેલા કરતાં વધુ ખરાબ થવાની આગાહી તેમાં કરવામાં આવી હતી.

એક્ઝિટ પોલ બાબતે પીસી ચાકોએ કહ્યું હતું કે બધુ જ પરિણામો પર નિર્ભર કરે છે. એકવાર પરિણામ આવી જાય પછી અમે વાતચીત કરીશું. મને લાગે છે કે આ સર્વે સાચો નથી. કોંગ્રેસ આ સર્વેના જે પુર્વાનુમાનો છે તેનાથી વધુ બહેતર પ્રદર્શન કરશે. લગભગ તમામ એક્ઝિટ પોલ કહે છે કે દિલ્હીમાં 15 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસને વોટશેરના માત્ર 5 ટકા મત મળી રહ્યા છે. જે 2015માં તેને જે વોટ મળ્યા હતા તેનાથી અડધા છે.

2015માં કોંગ્રેસને 10 ટકા મત મળ્યા હતા અને ચૂંટણીમાં તેની શરમજનક હાર થઇ હતી. તે સમયે 70 બેઠકોમાંથી એકપણ બેઠક કોંગ્રેસ જીતી શકી નહોતી. કંઇક એવી જ સ્થિતિ આ વખતે થનારી ચૂંટણીમાં થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. એક્ઝિટ પોલની વાત માનવામાં આવે તો દિલ્હીમાં આ વખતે પણ કોંગ્રેસનું ખાતું ખુલવું મુશ્કેલ બની રહેશે.

હકીકતમાં કોંગ્રેસના પરંપરાગત મતદાર એવા મુસ્લિમોએ આપ તરફ ઝોક બતાવ્યો છે. મુસ્લિમ મતદારોએ ભાજપની હાર નિશ્ચિત કરવા માટે એકતરફી મતદાન કર્યું હોવાનું માનવામાં આવે છે. તેમને એવો ડર હતો કે જો કોંગ્રેસ અને આપ વચ્ચે મતો વહેંચાઇ જશે તો ભાજપ સત્તાના સિંહાસને પહોંચી જશે અને તેથી આપ તરફી મતદાન તેમણે કર્યું હોવાનું કહેવાય છે.