જીવલેણ કોરોનાવાયરસ માણસમાં વાયા વાયા થઇને આવ્યો : હવે આવ્યું આ પ્રાણીનું નામ સામે

સાપ અને ચામાચીડિયાઓ પછી હવે ચીની વૈજ્ઞાનિકોને કોરોનાવાયરસના ફેલાવા બાબતે કીડીખાઉ નામના પ્રાણી પર શંકા છે. વૈજ્ઞાનિક માને છે કે આ નવા કોરોનાવાયરસના મધ્યસ્થ યજમાન તરીકે કીડીખાઉની ભૂમિકા હોઇ શકે છે અને તેણે ચામાચીડિયાઓમાંથી આ વાયરસ માણસોમાં ફેલાવ્યો છે.

નોવેલ કોરોનાવાયરસ સ્ટ્રેઇનના જેનોમ સિકવન્સ કીડીખાઉઓમાંથી છૂટા પાડતા જણાયું છે કે કીડીખાઉના જીન્સની સ્થિતિ અને જેમને ચેપ લાગ્યો છે તેવા લોકોના જીન્સની સ્થિતિ ૯૯ ટકા સરખી જણાઇ છે. આના પરથી સંકેત મળે છે કે કીડીખાઉએ આ વાયરસના ઇન્ટરમિડિયેટ હોસ્ટ તરીકેની ભૂમિકા ભજવી હોઇ શકે છે. એમ દક્ષિણ ચીન કૃષિ યુનિવર્સિટીના નેતૃત્વમાં કરવામાં આવેલો એક અભ્યાસ જણાવે છે.

આ યુનિવર્સિટીના પ્રમુખ લીયુ યાહોંગના જણાવ્યા પ્રમાણે સંશોધન ટીમે જંગલી પશુઓના ૧૦૦૦ મેગાટન કરતા વધુ સેમ્પલોનો અભ્યાસ કર્યો હતો અને તેમાં ઇન્ટરમીડિએટ હોસ્ટ તરીકે સૌથી વધુ શક્યતા કીડીખાઉની જ જણાઇ છે એમ સરકારી સમાચાર એજન્સી ઝિન્હુઆએ આજે જણાવ્યું હતું.

ચીનમાં સપ્તાહોથી હાહાકાર મચાવી રહેલ નવા ભેદી કોરોનાવાયરસના ફેલાવા અંગે ઘણી થિયરીઓ રજૂ થઇ રહી છે અને તેમાં ચર્ચાના કેન્દ્રમાં પક્ષીઓ અને પશુઓ વધારે છે. શરૂઆતમાં સાપ અને ત્યારબાદ ચામાચીડિયાઓ પર શંકા હતી. જો કે સંશોધકોએ બાદમાં જણાવ્યું હતું કે આમાં કોઇક વાહક હોઇ શકે છે. આ વાયરસ સૌથી પહેલા વુહાનની સી ફૂડ હોલસેલ માર્કેટમાંથી ફેલાયો હોવાનું મનાય છે.