ટીમ ઇન્ડિયા ફરી હારી : 3 વન ડેની સીરિઝમાં ન્યઝીલેન્ડની 2-0ની અજેય સરસાઇ

માર્ટિન ગપ્ટિલ અને રોસ ટેલરની અર્ધસદીઓ પછી બોલરોએ કરેલા જોરદાર પ્રદર્શનને કારણે ન્યુઝીલેન્ડે ભારતીય ટીમ સામેની બીજી વન ડે 22 રને જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડે પહેલો દાવ લઇને 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા હતા, જો કે ભારતીય ટોપ ઓર્ડર યોગ્ય રીતે પરફોર્મ ન કરી શક્યું હોવાથી ભારતીય ટીમ 48.3 ઓવરમાં 251 રનમાં ઓલઆઉઠ થયું હતુ અને તેના કારણે ભારત મેચ 22 રને હાર્યું હતું.

આ વિજય સાથે જ ન્યુઝીલેન્ડની ટીમે ભારત સામે 6 વર્ષ પછી વન ડે સીરિઝ જીતી છે. આ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ 2014માં પોતાના ઘરઆંગણે ભારત સામે 4-0થી જીત્યું હતું. તેની સાથે જ ભારતની આ ન્યુઝીલેન્ડ સામેની વન ડે ઇન્ટરનેશનલમાં સતત ત્રીજી હાર રહી હતી. આ પહેલા વર્લ્ડકપની સેમી ફાઇનલમાં અને તે પછી ન્યુઝીલેન્ડમાં રમાયેલી પહેલી વન ડેમાં ભારતીય ટીમ હારી ચુકી હતી.

273 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમ નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવતી રહી હતી, કેદાર જાદવ પાસે આજે સારી તક હતી પણ તે પોતાને મળેલી એ તકનો ઉપયોગ કરી શક્યો નહોતો અને ખરાબ શોટ મારીને આઉટ થયો હતો. ભારતે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને કોઇ આશા નહોતી બચી ત્યારે નવદીપ સૈની અને રવિન્દ્ર જાડેજાએ 76 રનની ભાગીદારી કરીને જીતની આશા જગાવી હતી. જો કે નવદીપ 45 રન બનાવીને આઉટ થયો તે પછી, જાડેજાએ ભારતને જીતાડવાનો પ્રયાસ કર્યો હતો પણ અંતે ભારતીય ટીમ 22 રને આ મેચ હારી હતી.