બિનઅનામત સવર્ણ ઉમેદવારોને નોકરીની ઉંમરમાંથી મળી શકે છે મોટી રાહત

જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત લોકોને અનામત પછી હવે સરકારી નોકરીઓમાં ઉંમરની છૂટ મળી શકે છે. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે સંબંધિત મંત્રાલયને પત્ર લખ્યો છે. આ અંતર્ગત સામાન્ય વર્ગના આર્થિક રીતે પછાત ઉમેદવારોને પણ એસસી-એસટી અને ઓબિસી વર્ગની માફક સરકારી નોકરીમાં ઉંમરની છૂટ આપવાનો પ્રસ્તાવ છે. જો કે કેટલી છૂટ મળશે, તેના પર આગળ વિચાર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય આવી જશે.

ગઈકાલે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપ સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે આ મુદ્દો ઉઠાવતા સરકારને ઝડપથી તેના પર ચુકાદો આપવાની માગ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારે સામાન્ય વર્ગને આર્થિક અનામતમાં આપીને સારૃ કામ કર્યું છે, પણ જ્યાં સુધી સરકારી નોકરીમાં છૂટ નહીં મળે ત્યાં સુધી તેનો કોઈ ફાયદો નહીં થાય.

મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલના સમયમાં સરકારી નોકરીમાં અનામતના આધારે અલગ-અલગ વર્ગને છૂટ મળે છે. જેમાં એસસી-એસટીને પાંચ વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ મળે છે. આ અંતર્ગત સામાન્ય વર્ગના ઉમેદવારો માટે આ મર્યાદા ૩૨ વર્ષની છે, તો અન્ય પછાત વર્ગ માટે ૩૫ વર્ષ છે જ્યારે એસસી અને એસટી માટે આ મર્યાદા 37 વર્ષ છે.