SBIના હોમ લોન લેનારાઓને મળી મોટી રાહત, પણ ફિક્સ ડિપોઝીટર્સને આપ્યો ઝટકો

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ પાકતી મુદતની લોન પર સીમાંત ભંડોળના ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR) માં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. ભલે રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યો ન હોય, તો પણ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.

SBI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ પાકતી મુદ્દતની લોન પર સીમાંત ભંડોળના ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR)માં 0.05 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કપાત બાદ એક વર્ષની પાકતી મુદ્દતવાળી લોનનું એમસીએલઆર 7.85 ટકા પર આવી ગયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ 9 મી વખત છે જ્યારે SBIએ MCLR પર કાતર ચલાવી છે. આ કપાતનો અર્થ એ છે કે તમને આગામી દિવસોમાં સસ્તી હોમ લોન અથવા ઓટો લોન મળશે. જોકે, આ નવા દરો 10 ફેબ્રુઆરીથી લાગુ થશે.

આ સાથે SBIએ ફિક્સ ડિપોઝીટ એટલે કે એફડીના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે. બેંકે સાત દિવસથી 45 દિવસની પાકતી મુદત સિવાય તમામ પ્રકારના એફડી માટેના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હવે 46થી 179 દિવસની એફડી પર પાંચ ટકા વ્યાજ આપવામાં આવશે.

એ જ રીતે 180 દિવસથી 210 દિવસ અને 211 દિવસથી એક વર્ષના સમયગાળાની એફડી પરનો વ્યાજ દર ઘટાડીને 5.50 ટકા કરાયો છે. જ્યારે  એકથી દસ વર્ષમાં પાકતી એફડી પરના 0.10 ટકાના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, હવે ગ્રાહકોને આ એફડી પર 6 ટકા વ્યાજ મળશે. આ નવા દરો 10 ફેબ્રુઆરીથી લાગુ થશે.

નાણાકીય વર્ષની આખરી નાણાકીય સમીક્ષા બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ઘટાડો કર્યો નથી. આરબીઆઈએ રેપો રેટ સ્થિર રાખ્યો છે ત્યારે આ સતત બીજી નાણાકીય સમીક્ષા બેઠક છે. આ અગાઉ ડિસેમ્બરમાં પણ આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જ્યારે 2019ની પ્રારંભિક પાંચ નાણાકીય સમીક્ષા બેઠકમાં, રેપો રેટ સતત પાંચ કપાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં રેપો રેટ 5.15 ટકા પર સ્થિર છે.