ધરપકડ ટાળવા હાર્દિક અંડર ગ્રાઉન્ડ થઈ ગયો? સલામત હોવાનું કહેતા સૂત્રો

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ વિરૃદ્ધ અમદાવાદની અદાલતે બિન-જામીનપાત્ર વોરંટ કાઢ્યું છે. આ પહેલા પણ આ પ્રકારનું વોરંટ નીકળ્યું હતું. અદાલતમાં ચાલતા કેસમાં હાજર રહેવાનું ટાળવાના કારણે આ પ્રકારનું વોરંટ અદાલતે કાઢ્યું છે. કોર્ટ દ્વારા બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કરવામાં આવતા હાર્દિક પટેલ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાર્દિક હેમખેમ અને સલામત હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આજે સવારે એનસીપના નેતા અને પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલના સાથી રેશ્મા પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પાછલા કેટલાક દિવસોથી જાહેરમાં દેખાયો નથી. હાર્દિક ગૂમ થઈ ગયો છે. રેશ્મા પટેલે સાથે ગુજરાતની ભાજપ સરકારને ચેતવણી પણ આપી  હતી કે પાટીદાર અનામત આંદોલનના યુવાનોની રંજાડ બંધ કરવામાં આવે.

હાર્દિક પટેલ અનામત આંદોલન સંલગ્ન કેસમાં વારંવાર કોર્ટમાં હાજર રહેવાનું ટાળી રહ્યો છે જેને પગલે શુક્રવારે અમદાવાદની કોર્ટે તેની વિરૃદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ જાહેર કર્યુ છે. આ પહેલા મોરબીની ટંકારાની કોર્ટે 2017 ના કેસમાં મંજૂરી વગર રેલી યોજવા બદલ હાર્દિક વિરૃદ્ધ એનડબલ્યુબી જાહેર કર્યુ હતું. ગત્ મહીને રાજદ્રોહની કેસમાં અમદાવાદની કોર્ટે હાર્દિક પટેલ સામે બિન-જામીનપાત્ર વોરન્ટ કાઢ્યું હતું. જો કે બાદમાં હાર્દિકને તમામ તારીખ પર હાજર રહેવા સહિતની કડક શરતો સાથે જામીન મંજૂર કરાયા હતાં.