કાનના પડદા ફાટી જાય તેવી ગાળોનો વરસાદ, મધુ શ્રીવાસ્તવને પોરબંદરના રાજુ ઓડેદરાએ આપી બેફામ ગાળો, ઓડિયો ક્લિપ વાયરલ

વડોદરાના વાઘોડીયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને બેફામ ગાળો આપતી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખાસ્સી વાયરલ કરવામાં આવી છે. પોરબંદરનો હોવાનું જણાવી રાજુ ઓડેદરા નામની વ્યક્તિએ ધારાસભ્ય સાથે જે પ્રકારની ગાળાગાળી કરી છે તે સાંભળીને કાનના પડદા ફાટી જાય તેમ છે. ઓડિયો ક્લિપમાં એટલી ગાળો છે કે તેનો જરા સરખો અંશ પણ પ્રસિદ્વ કરી શકાય એમ નથી.

ઓડિયો ક્લિપ સાંભળતા શરૂઆતમાં રાજુ ઓડેદરા મધુ શ્રીવાસ્તવને પૂછી રહ્યો છે કે ક્યાં સુધી આવી રીતે ભાજપમાં રહેવાનું. હું તમારો વોટર છું, ભાજપવાળા તમારું સાંભળતા નથી તો ક્યાં સુધી આવી રીતે ચલાવવાનું. વાત આગળ વધે છે, મધુ શ્રીવાસ્તવ ઠંડા કલેજે શાંતિથી જવાબ આપતા સંભળાય છે અને ત્યાર બાદ એક પછી એક ગાળોનો વરસાદ શરૂ થઈ જાય છે અને એકબીજાને જોઈ લેવા સુધીની ગાળો સાથેની વાતચીત થાય છે. ત્યાર બાદ વાતો ઓછી અને ગાળો જ વધુ સંભળાય છે.

ઓડિયો ક્લિપમાં જાતિવાચક અપમાન અને ઉતારી પાડતી વાતો પણ કરવામાં આવી છે. બન્ને એકબીજાને ગાળો પર ગાળો આપી રહ્યા છે. ધારાસભ્ય તરીકે પણ મધુ શ્રીવાસ્તવ મર્યાદા ચૂકી ગયા હોવાનું ઓડિયો ક્લિપ જોતાં વિદિત થઈ રહ્યું છે.મધુ શ્રીવાસ્તવ ગાળો આપી રહેલા રાજુ ઓડેદરાનો ફોન કાપતા નથી અને તેની સાથે શોબ્દીક ટપાટપી પર ઉતરી આવે છે.

હવે આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ શું કરે છે તે જોવાનું રહે છે. એક ધારાસભ્ય સાથે કરવામાં આવેલી વાતચીત જરાય શોભાસ્પદ નથી. મધુ શ્રીવાસ્તવ પોલીસ ફરીયાદ કરે છે કે નહીં તે જોવાનું રહે છે.