વેરાવળના દરિયામાં સ્વીમીંગ કરી સુરતની મોનિકા નાગપૂરેએ જીતી લીધું ટાઈટલ

વેરાવળ ખાતે અરબી સમુદ્રમાં યોજાયેલી ૩૧મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધામાં બહેનોમાં સુરતના મોનિકા નાગપુરે 4 કલાક 39 મિનીટ અને 02 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા. આ સ્પર્ધામાં મહારાષ્ટ્રમાંથી કુલ 6, ગુજરાતમાંથી કુલ 12 અને પશ્રિમ બંગાળમાંથી ૧1એમ મળી કુલ 19 સ્પર્ધકોએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી.

સ્વીમિંગ ક્ષેત્રે સુરત ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. શહેરની મોનિકા એમ. નાગપુરે સમુદ્ર તરણ સ્પર્ધામાં સતત ત્રીજીવાર પ્રથમ સ્થાને વિજેતા થઇ છે. મોનિકાએ આદ્રીથી વેરાવળ બંદર સુધી 16 દરિયાઇ નોટીકલ માઇલનું અંતર 4 કલાક 39 મિનીટમાં પૂર્ણ કર્યું હતું. મોનિકાએ જણાવ્યું હતું કે, આજે સમુદ્ર શાંત હોવાથી સરળતાથી સ્વીમીંગ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મોનિકાનો જુસ્સો જોઇ વેરાવળનાં સાગરપુત્રોએ તાળીઓનાં ગડગડાટથી તેને વધાવી લઇ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.

આદ્રીથી વેરાવળ બંદર 16 દરિયાઇ નોટીકલ માઇલ સુધીની આ સ્પર્ધામાં મોનિકા નાગપૂરે સિવાય ભાઇઓમાં સુરતનો ઉન્મીત સુરતી 7  કલાક 10 મિનીટ અને ૫૩ સેકન્ડનો સમય લઈ બીજુ સ્થાન તેમજ બહેનોમાં સુરતના દર્શના સેલર ૫ કલાક 24 મિનીટ અને 49 સેકન્ડના સમય સાથે બીજુ સ્થાન તથા સુરતના મેહાલી ભાજીવાલા 5 કલાક 31 મિનીટ અને 19 સેકન્ડનાં સમય સાથે તૃતિય સ્થાન મેળવી વિજેતા થયા હતા. આમ બહેનોમાં ત્રણેય સ્થાન સુરતે પ્રાપ્ત કરી ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું હતુ.