કાજૂ અને સોપારી ભરેલી ટ્રક પર વડોદરા નજીક લૂંટારૂ ત્રાટક્યા અને પોલીસ આવી ચઢી, પછી શું થયું?

નેશનલ હાઇવે પર જામ્બુવા બ્રિજ પાસે આવેલી જીઇબી સ્ટેશન પાસે સોમવારે મોડી રાત્રે કેરળના કાજુ અને સોપારી ભરેલા ટ્રક પર 10થી 12 લૂંટારૂઓ ત્રાટક્યા હતા. પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ કર્મીઓએ લૂંટારૂઓને પકડવા જતા પોલીસ વાન પર પથ્થરમારો કર્યો હતો. અને વાન પર ટ્રક કરીને પોલીસ કર્મીઓની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

વડોદરા નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર સોમવારે મોડી રાત્રે કેરળનો ટ્રક ચાલક કાજુ અને સોપારી ભરીને નીકળ્યો હતો. આ સમયે 10થી 12 જેટલા લૂંટારૂઓએ ત્યાં પહોંચીને ટ્રકને રોકી દીધો હતો. જોકે આ સમયે નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલા પીસીઆર વાનચાલક સી.વી.સિંહ અને જગમાલ સિંહ સહિતના પોલીસ કર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા અને લૂંટને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીસીઆર વાનને જોઇ જતા લૂંટારૂઓએ પોલીસ વાન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ટ્રક પર પોલીસ વાન ઉપર ચડાવી દીધી હતી. જેમાં પીસીઆર વાનચાલક સી.વી.સિંહ અને જગમાલ સિંહ ઇજાગ્રસ્ત થયા હતા.

આ ઉપરાંત ટ્રકને હાઇવે પર પકડવા ગયેલી બીજી પીસીઆર વાન પર પણ ટ્રક ચઢાવી હતી. જેમાં પોલીસની પીસીઆર વાન 25 અને 26નો કચ્ચરઘાણ થઇ ગયો હતો. આ મામલે પીસીઆર વાનચાલકે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ ટ્રકમાં મૂકેલા કાજુ અને સોપારીનો માલ લૂંટી થયા ફરાર થઇ ગયા હતા.