સંસદમાં PM મોદીએ અર્થ તંત્ર, રાહુલ ગાંધી, અધિર રંજન ચૌધરી, CAA, મુસ્લિમો, 370 સહિતના મુદ્દા પર વિપક્ષો પર પસ્તાળ પાડી

PM મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, એક સવાલ વારંવાર આવી રહ્યો છે કે સરકારને કામની આટલી ઉતાવળ શા માટે છે?  PM મોદીએ જાણીતા કવિ સર્વેશ્વર દયાળ સકસેના અને દાગ દહેલ્વીની કવિતા તથા શેરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘રૂઢી પ્રમાણે નબળા અને હારેલા લોકો ચાલે છે, અમને તો અમારા બનાવેલા રસ્તાથી જ પ્રેમ છે.’

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31મી જાન્યુઆરીએ સંયુક્ત સત્રમાં અભિભાષણ દરમિયાન આર્ટીકલ 370 અને 35-એ હટાવવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકારના આ ઐતિહાસિક નિર્ણય જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિકાસ માર્ગ ખુલી શકશે. રાષ્ટ્રપતિએ એવું પણ કહ્યું હતું કે, ભારતમાંથી સૌથી વધારે ર લાખ મુસ્લિમ હજ માટે જાય છે. ભારત દુનિયાનો એકલો એવો દેશ છે, જ્યાં હજની પ્રક્રિયા ડિજિટલ છે.

PM મોદીએ કહ્યું કે, સરકાર બદલી છે, સરોકાર પણ બદલવાની જરૃર છે, નવા વિચારની જરૃર છે. પરંતુ આપણે પહેલાની જૂની રૃઢિ પ્રમાણે ચાલતા અને એ રસ્તાઓ પર ચાલવાની આદત પડી ગઈ હોત તો કદાચ 70 વર્ષ બાદ પણ આ દેશમાંથી અનુચ્છેદ 370 નાબૂદ ના થતો. અને મુસ્લિમ બહેનોને ત્રણ તલાકની તલવાર ડરાવતી રહેતી. રામ જન્મભૂમિ આજે પણ વિવાદોમાં રહેતી, કરતારપુર સાહિબ કોરિડોર ક્યારેય ન બનતો અને ન તો બાંગ્લાદેશ સાથે સરહદ વિવાદનો નિવેડો આવતો.

PM મોદીએ કહ્યું કે, પૂર્વોત્તર અમારા માટે માત્ર એક વિસ્તાર નથી. ત્યાંના એક-એક નારિકા સાથે આગળ વધવાની તક મળી અને દિલ્હી તેમના દરવાજે પહોંચી ગઈ. સતત અમારા મંત્રી ત્યાં ગયા અને લોકો સાથે સંવાદ કર્યો. ત્યાંના લોકોને રસ્તા, વીજળી ટ્રેન અને સેવાઓ આપવામાં આવી છે. પ્રયાસ તો પહેલા પણ કરાયા અને આજે પણ થઈ રહ્યાં છે. પહેલા પૂર્વોત્તરમાં સૂર્ય તો ઉગતો હતો પણ સવાર નહોતી પડતી.

PM મોદીએ જીએસટી, રેવન્યુ એકલાખ કરોડથી વધી અને એફડીઆઈ વધી હોવાનું જણાવીને મુદ્રાયોજના, સ્ટાર્ટઅપ, મેક ઈન ઈન્ડિયાથી રોજગારી વધી હોવાનો દાવો કરતા કહ્યું કે વર્લ્ડ એકસ્ટેન્શન ડેટા ઈન્ટર પ્રિન્ટર્સમાં ભારત ત્રીજા ક્રમે રહ્યું છે.

pm મોદીએ કહ્યું કે સંવિધાનની વાત કરતા લોકોએ જમ્મુ-કાશ્મીરમાં ભારતનું સંવિધાન લાગુ કરવું જોઈતુ હતું. વર્તમાન સરકાર સંવિધાનને પૂર્ણ રીતે સમર્થિત છે. મોદીએ ખેડૂતોને મળેલા લાભો, એમએસપી દોઢ ગણો કરવાનું કદમ અને કુદરતી આફતો સમયે અપાયેલી સહાયના આંકડા પણ આપ્યા હતા.

CAAના મુદ્દે PM મોદીએ કહ્યું કે, પાકિસ્તાને ભારતના મુસ્લિમોને ભડકાવવાના તમામ પ્રયાસો કર્યા છે, પણ સફળતા નથી મળી, ત્યારે હારેલા લોકો દેશમાં જ આ કામ કરી રહ્યાં છે, અને મુસ્લિમોમાં ભ્રમ ફેલાવી રહ્યાં છે. મુસ્લિમોએ અંગ્રેજોને ‘ક્વિટ ઈન્ડિયા’ નો નારો આપ્યો હતો. તેમણે આ અંગે ખાન અબ્દુલ ગફારખાન સહિતના  સ્વાતંત્ર્ય ચળવળના સહભાગી મુસ્લિમ નેતાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, સીએએનો વિરોધ કરીને કેટલાક લોકોએ પોતાનો જ ચહેરો બેનકાબ કર્યો છે.