લો બોલો, કિચનના નળમાં પાણીના બદલે નીકળ્યો દારૂ

દારૂના કુવા આવતા હોવાનું તમે હંમેશા વાર્તાઓ કે ફિલ્મોમાં જોયું કે વાંચ્યું હશે પણ કેરળના ત્રિસૂર જિલ્લાના ચલાકુડી નામક નાનકડાં ગામના એક એપાર્ટમેન્ટના લોકો માટે એ વાત હકીકત બની ગઇ હતી. આ એપાર્ટમેન્ટના રહિશોએ સોમવારે જ્યારે પોતાના કિચનનો નળ પાણી ભરવા માટે ચાલુ કર્યો તો તેમાંથી કંઇક અલગ ભૂખરા રંગનું પાણી નીકળવા માંડ્યું હતું અને તે થોડુ અલગ પ્રકારની વાસ મારતું હતું. ટૂંકમાં જ એવા સમાચાર જંગલની આગની જેમ ફેલાયા હતા એ એપાર્ટમેન્ટની ટાંકીના પાણીમાં દારૂ ભેળવાયેલો હતો.

લોકોને એ વાતની નવાઇ લાગી કે ટેન્કમાં દારૂ કોણ ભેળવી ગયું. જો કે નગરપાલિકાના અધિકારીઓને આ બાબતે માહિતી મળી ત્યારે તેમણે કરેલી તપાસમાં એ વાત સામે આવી હતી કે આ ગામના રહીશો માટે જે પીવાના પાણીનો સ્ત્રોત છે તેના કુવાના પાણીમાં જ દારૂ ભળેલો હતો. વધુ તપાસ કરાતાં એવું સામે આવ્યું હતું કે આબકારી વિભાગ દ્વારા ઝડપાયેલો 4500 લીટર દારૂનો અધિકારીઓ દ્વારા એક ખાડામાં નાશ કરવામાં આવ્યો હતો અને એ દારૂ ખાડામાં થઇને કુવાના પાણીમાં ભળી ગયો હતો.