ફિલ્મ ‘લાયન કિંગ’ જેવી જ ઘટના : બબૂન વાનર સિંહના બચ્ચાને લઇ ઝાડ પર ચઢી ગયો

‘લાયન કિંગ’ નામક ફિલ્મ જેમણે જોઇ હશે તેમને એક સીન યાદ હશે કે જેમાં બેબી સિમ્બાને રફિકી નામનો લંગૂર સિમ્બાને તેની માની સોડામાંથી ઉંચકીને એક પર્વતની ટોચે લઇ જઇને જંગલના તમામ પ્રાણીઓ સાથે તેનો પરિચય કરાવે છે. આ સીન જેવો જ એક અદ્દલ સીન દક્ષિણ આફ્રિકાના જંગલમાં જોવા મળ્યો હતો, જેમાં એક બબૂન વાનર સિંહના બચ્ચાને લઇને ઝાડ પર ચઢી ગયો હતો.

જુઓ વીડિયો

બબૂન વાનર સિહના બચ્ચાને પોતાની સોડમાં લઇને ઝાડ પર ચઢી ગયો તે ઘટનાનો વીડિયો ક્રુગર સાઇટિંગ્સ નામથી યૂ ટ્યૂબ પર શેર કરવામાં આવી રહ્યો છે. 2 ફેબ્રુઆરી 2020ના રોજ શેર કરાયેલો આ વીડિયો એવો વાયરલ થયો છે કે તેને અત્યાર સુધીમાં 21 લાખ લોકો કરતાં વધુએ જોયો છે અને 4800 લોકોએ તેને લાઇક કર્યો છે. આ ક્લિપ દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કની છે. જેને કર્ટ શુલ્ત્સે જ્યારે તે એક મીટિંગમાં જઇ રહ્યો હતો ત્યારે 1 ફેબ્રુઆરી 2020ના રોજ શૂટ કર્યો છે.

તેણે કહ્યું હતું કે હું જઇ રહ્યો હતો ત્યારે સવારના સમયે મેં ત્યાં એક બબૂન વાનરને ઝાડ પર ચઢતા જોયો. તેના હાથમાં કોઇ વસ્તુ હતી, મને લાગ્યું કે તે કોઇ ફળ લઇને ઝાડ પર ચઢી રહ્યો હશે, પણ ધ્યાનથી જોયું તો તેના હાથમાં એક સિંહબાળ હતું. તેણે કહ્યું કે મને પહેલા લાગ્યું કે તે માદા વાનર હશે પણ તે એક નર વાનર હતો અને તેણે આ સિંહ બાળને શા માટે ઉઠાવી લીધું હતું તે સમજી શકાયું નહોતું.