કોરોના વાયરસ: મોતના લીક ડેટામાં ચોંકાવનારી વિગત, ચીનમાં 24 હજારથી વધુના મોત?

મહામારીનું રૂપ લઇ રહેલા કોરોના વાયરસ બાબતે એક મોટો ઘટસ્ફોટ થયો છે, કોરોના વાયરસ જયાંથી જનમ્યો છે તે ચીને આ વાયરસને કારણે થયેલા મોતના આંકડા બાબતે જુઠ્ઠાણું ચલાવ્યું હોવાનુ સામે આવ્યું છે. ચીનની બીજી સૌથી મોટી કંપની ટેનસેન્ટ દ્વારા અજાણતામાં લીક થયેલા ડેટાએ આ બિમારીની ભયાનકતા અને ચીનના સત્તાધીશોનું જુઠ્ઠાણું જાહેર કરી દીધું છે. ટેનસેન્ટના ડેટા અનુસાર કોરોના વાયરસને કારણે ચીનમાં અત્યાર સુધી 24 હજારથી વધુ લોકો માર્યા ગયા છે. જો કે વિશ્વભરમાં આ મામલે વિવાદ વધ્યા પછી ટેનસેન્ટે પોતાના આંકડા બદલી નાંખ્યા છે, પણ અજાણતામાં જાહેર થયેલા આ આંકડાને કારણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર કોરોના વાયરસની ગંભીરતા પર ઢાંક પિછોડો કરી રહી હોવાનું પણ જાહેર થઇ ગયું છે.

તાઇવાનના એક અખબાર તાઇવાન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ચીનની કંપની ટેનસેંટે શનિવારના રોજ કહ્યું કે કોરોના વાયરસથી 154,023 લોકોને અસર થઇ છે અને 24,589 લોકોના મોત થઇ ગયા છે. ટેનસેંટનો આ આંકડો ચીનના સત્તાવાર આંકડા કરતા લગભગ 80 ગણો વધુ હતો. જો કે વિશ્વભરમાં આ મામલે વિવાદ વધ્યા પછી તેમણે પોતાના આંકડામાં ફેરફાર કર્યો અને કહ્યું કે 14,446 લોકો જ બીમારીથી પીડિત છે અને 304 લોકોના મોત થયા છે. અમેરિકા સુધી મારણ કરનાર મિસાઇલ ધરાવતા ચીનને તો આ વાયરસે હચમચાવી દીધા છે. બુધવારના રોજ ચીનમાં બીજા 73 લોકોને આ બીમારીથી મોત થયા છે. આમ આ બીમારીથી અત્યાર સુધીમાં 563 લોકોના મોત થયા હોવાનુ સરકારી આંકડા કહે છે પણ ડેટાસેન્ટના આંકડા તેનાથી વિરોધાભાષી વાત કરે છે.

સોશિયલ મીડિયા પર અટકળો તેજ થઇ ગઇ છે કે ચીની કંપની ટેનસેંટ બે રીતે ડેટા મૂકી રહી છે. એક મૃતકોનો અને અસરગ્રસ્ત લોકોનો અસલી ડેટા અને બીજો સરકાર દ્વારા ‘સ્વીકૃત ડેટા’. તો કેટલાંક લોકોનું માનવું છે કે કોડિંગની ગડબડીના લીધે ટેનસેંટનો આ અસલી ડેટા ઓનલાઇન લીક થઇ ગયો. કેટલાંક લોકો એમ પણ માને છે કે ટેનસેંટમાં કામ કરનાર કોઇ વ્યક્તિએ જાણી જોઇને અસલી ડેટા લીક કરી દીધો છે જેથી કરીને દુનિયાને વાસ્તવિક સ્થિતિની ખબર પડી શકે.