ઔરંગાબાદના એક ગામની શાળા દર શનિવારે ઉજવે છે નો સ્કુલ બેગ ડે !

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના એક ગામની શાળા દર શનિવારે નો સ્કુલ બેગ ડે ઉજવે છે  અને એ દિવસે શાળામાં કોઇ બાળકે સ્કુલ બેગ લાવવાની રહેતી નથી. આ દિવસે બાળકોને માત્ર રમતગમત અને હસ્તકળા અને ચિત્રકામ કરાવવામાં આવે છે.

ઔરંગાબાદના મલકાપુર ગામમાં ઔરંગાબાદ જિલ્લા પરિષદ દ્વારા ચલાવવામાં આવતી પ્રાથમિક શાળામાં દર શનિવારે બાળકોએ દફતર કે ચોપડા વિના જ આવવાનું હોય છે. ખરેખર આ દિવસે બાળકોએ ભણવાનું હોતું નથી પણ તેમને ત્યારે હસ્તકલા, ચિત્રકામ વગેરે શીખવવામાં આવે છે કે રમતો રમાડવામાં આવે છે. ગયા વર્ષના જૂન મહિનાથી જ આ શાળામાં શનિવારને સ્કુલ બેગ વિહિન દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

શાળાના શિક્ષકો કહે છે કે આમ કરવાથી બાળકોને અઠવાડીયાના બાકીના દિવસો માટે વધુ ઉર્જા મળી રહે છે અને તેઓ બાકીના દિવસોમાં અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ શાળામાં બાળકોનું અંગ્રેજી શબ્દ ભંડોળ વધારવા માટે અવર વર્ડ બેન્ક પ્રોજેક્ટ તથા ગણિતમાં કુશળતા વધારવા માટે ગણિત સમૃદ્ધિ કાર્યક્રમ જેવા કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે.