NEET, JEE, GUJCETની પરીક્ષાઓ આપવા માંગો છો તો ગુજરાત સરકારે કોચીંગ માટે શરૂ કરી છે આ યોજના

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહની NEET, JEE, GUJCET જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીગ સહાય ચૂકવવામાં આવે છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ધોરણ-10 માં 70 ટકા કે તેથી વધુ ગુણ ધરાવનારને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય જ્યારે આર્થિક રીતે પછાત વર્ગની ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓને ધોરણ-10માં ૭૦ ટકા કે તેથી વધુ ગુણ અને તેના કુટુંબની 4.50 લાખની વાર્ષિક આવક ધ્યાને લઇ NEET, JEE, GUJCET ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સંસ્થામાં ભરેલી ફી અથવા વધુમાં વધુ 20,000 બે પૈકી ઓછી કોચીંગ સહાયની રકમ સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને જે માન્ય સંસ્થામાં પ્રવેશ મેળવેલ હોય, તેવી સંસ્થાઓ સરકારનાં નિયમો મુજબ રજીસ્ટ્રેશન થયેલી, GST નંબર ધરાવારી, ઇન્કમટેટેક્સ અને જરૂરી ઓડીટ રિપોર્ટ્સ ધરાવતી તથા NEET, JEE, GUJCETની આવી પરીક્ષા માટેનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતી હોવી જોઈએ. વિજ્ઞાન પ્રવાહના બંને વર્ષ માટે આ સહાય ફક્ત એકજ વાર મળવાપાત્ર છે. વિદ્યાર્થીઓને જે માન્ય સંસ્થાઓમાં પ્રવેશ મેળવેલ હોય તેમાં ઓછામાં ઓછી 6 માસની કોચીગ ક્લાસમાં ફરજીયાત હાજરી આપવાની રહેશે. તેમજ હાજરીની વિગતો અરજી સાથે રજુ કરવાની રહેશે.

કોચીંગ સહાય લેવા માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થી અથવા આવા વિદ્યાર્થીઓ વતી શાળા કે કોચીગ સંસ્થાઓ 25 ફેબ્રુઆરી-2020 સુધીમાં વિકસતી જાતિઓના કલ્યાણની કચેરી, બ્લોક નં.2/1, મધ્યસ્થ કચેરી ભવન, રાજમહેલ રોડ, પાટણ ખાતે અરજી કરી શકશે.