આ વખતે ગીરનાર આરોહણ સ્પર્ધામાં આધુનિક ટેક્નોલોજી, ખેલાડીઓનાં નબંર સાથે ફીટ કરાશે ચીપ

યુવાનોના હામ અને હિરની કસોટી કરતી ગિરનાર સ્પર્ધા સૌ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સાહસથી ભરપુર આ સ્પર્ધાને વધુ રોમાંચક અને ફુલપ્રુફ બનાવવા રમત-ગમત વિભાગ જૂનાગઢની યુવાન અધિકારીઓની ટીમના સતત પ્રયાસો રહયા છે. તેમના આ પ્રયાસોને જૂનાગઢ કલેકટર ડો. સૌરભ પારઘીનું મજબુત પીઠબળ મળ્યુ છે. નવમી ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ સ્પર્ધામાં આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે.

આ સ્‍પર્ધામાં આ વર્ષથી નવી આધુનિક ચીપ ટાઇમીંગ સીસ્ટમનો ઉપયોગ કરાશે, આ આધુનિક સીસ્ટમનો ઉપયોગ અગાઉ પોલીસ ભરતી, મેરેથોન દોડ, ઓલમ્પીક જેવી રમતોમાં કરવામાં આવે છે.  આ વર્ષથી ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ તેનો ઉપયોગ થશે. આ સીસ્ટમ સ્પર્ધામાં સચોટ ટાઇમ લેવા ખુબજ ઉપયોગી થશે. આ આધુનિક ચીપ ખેલાડીઓના ચેસ્ટ નંબરની અંદર જ હશે. આ સ્પર્ધામાં સૌપ્રથમ વખત તેનો ઉપયોગ થઇ રહયો છે.

આ સ્‍પર્ધામાં એલ.એસ. સ્પોર્ટસ નામની પ્રખ્યાત ટાઇમીંગ લેતી કંપની આ વર્ષથી આ સ્પર્ધા સાથે જોડાશે. આ વર્ષથી નવી આધુનિક ચીપ ટાઇમીંગ સીસ્ટમનો ઉપયોગ કરાશે, તેમજ આ સ્પર્ધામાં બેંગ્લોરથી એક્ષપર્ટ એન્જીનીયરોની ટીમ આવશે. આ ટીમોએ અગાઉ 10 હજાર માણસોની મેરેથોન દોડમાં ટાઇમીંગનું કામ કર્યું છે. આ સ્પર્ધામાં ત્રણ કાર્પેટ પાથરવામાં આવશે. જેમાં પ્રથમ સ્ટાર્ટીગ પોઈંટ ઉપર બીજી 2200 પગથીએ તથા 5500 પગથીએ કાર્પેટ પાથરવામાં આવશે જેના કારણે એક ખેલાડીનું ત્રણ જગ્યાએ ટાઇમીંગ નોંધાશે. જેથી ખેલાડીઓનું સચોટ ટાઇમીંગની જાણી શકાશે.

આ સ્‍પર્ધામાં આ વર્ષથી પરીણામની જાણ તમામ સ્પર્ધાને એસ. એમ. એસ દ્રારા કરાશે. તેમજ તેના પોતાના વ્યકતિગત ટાઇમીંગની પણ એસ. એમ. એસ. દ્રારા જાણ કરાશે. જેથી ખેલાડીઓ  પોતાના ટાઇમીંગમાં ભવિષ્યમાં સુધારો કરી શકે. આ સ્‍પર્ધામાં જૂનાગઢ વ્યાયામ સંઘના હોદેદારો માળી પરબ, સ્ટાર્ટીગ લાઇન, તેમજ ભોજન સ્થળ પર પોતાની ટીમ સાથે ફરજ બજાવશે. તેમજ આ વર્ષે અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ શહેર, રાજકોટ તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના ટ્રેનરો, ટેકનીકલ મેનેજરો, જૂનાગઢ પર્વતારોણ તાલીમ કેન્દ્રના ઈનસ્ટ્રકટરો મળી કુલ 160 શિક્ષકોની ટીમ આ સ્પર્ધામાં ફરજ બજાવશે.

ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર ,દિવ, હરિયાણા, રાજસ્થાન, ઉતરપ્રદેશ, પંજાબ,મધ્યપ્રદેશ,બિહાર,ઉત્તરાખંડ,અને હિમાચલ પ્રદેશના કુલ 503 ખેલાડીઓ એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી ગુજરાતના કુલ 161 સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધામાં સિનિયર વિભાગમાં 257, જુનીયર વિભાગમાં 113, સિનિયર બહેનોના વિભાગમાં 69 અને જુનીયર બહેનો વિભાગમાં 64, એમ કૂલ 503 સ્પર્ધકો સહભાગી થશે.