અંડર-19 વર્લ્ડકપ : ભારત-પાકિસ્તાન વચ્ચે થોડા સમયમાં શરૂ થશે સેમી ફાઇનલ

અંડર-19 વર્લ્ડ કપમાં ચારવારની ચેમ્પિયન ભારતીય ટીમ  મંગળવારે બપોરે 1.30 વાગ્યે અહીં જ્યારે પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાન સામે સેમી ફાઇનલ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તેનું લક્ષ્ય સતત ત્રીજીવાર ફાઇનલ પ્રવેશનું રહેશે. બંને ટીમો સેમી ફાઇનલ સુધીના પ્રવાસમાં અજેય રહી છે. ભારતે ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને તો પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવીને સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે.

પાકિસ્તાની કેપ્ટન રોહેલ નઝીર આ મેચ બાબતે બનેલા હાઇપને વધુ મહત્વ આપવાનું નકાર્યું પણ સ્વીકાર્યું હતું કે આ ટૂર્નામેન્ટમાં આવતીકાલની મેચ સૌથી વધુ પ્રેશરવાળી રહેશે. તેમાં બંને ટીમના ખેલાડીઓની ખરી કસોટી થશે. આ મેચમાં સારું રમવાથી કોઇ રાતોરાત સ્ટાર બની જાય છે તો ખરાબ રમનારો વિલન પુરવાર થાય છે. પાકિસ્તાની ઓપનર મહંમદ હુરેરાએ પણ કહ્યું હતું કે સેમી ફાઇનલ ઘણી પ્રેશરવાળી મેચ રહેશે, તેના અંગે ઘણાં હાઇપ છે, પણ અમે એક સામાન્ય મેચની જેમ જ તેમાં રમીશું.

સીનિયર ટીમની જેમ જ જૂનિયર ટીમ પણ પાકિસ્તાન પર પ્રભાવક રહી છે. બંને વચ્ચે અંડર 19 વર્લ્ડકપની અત્યાર સુધી કુલ 23 મેચ રમાઇ છે, જેમાંથી 14 ભારતે અને 8 પાકિસ્તાને જીતી છે, જ્યારે એક મેચ ટાઇ થઇ હતી. બંને વચ્ચે છેલ્લી મેચ 2019ના એશિયા કપમાં રમાઇ હતી, જેમાં ભારતીય ટીમે 50 ઓવરમાં 305 રન બનાવ્યા હતા, જેમાં તિલક વર્માએ સદી ફટકારી હતી, જેની સામે પાકિસ્તાની ટીમ 245 રનમાં ઓલઆઉટ થઇ હતી.