અંડર-19 વર્લ્ડકપ: ક્રિકેટના મેદાન પર પણ પાકિસ્તાન રગદોળાયું, પાકિસ્તાનને હરાવી ભારત ફાઇનલમાં

અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમે યશસ્વી જયસ્વાલની સદી અને દિવ્યાંશ સક્સેનાની અર્ધસદી ઉપરાંત બંનેની નોટઆઉટ 176 રનની ભાગીદારીની મદદથી પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને દમામભેર સતત ત્રીજીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે બીજી સેમી ફાઇનલમાં બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડમાંથી જે વિજેતા થશે તેની સાથે ફાઇનલમાં ભારત રમશે.

આ પહેલા સુશાંત મિશ્રાની આગેવાનીમાં ભારતીય બોલરોએ કરેલા જોરદાર બોલિંગ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. ભારતે ફાઇનલ પ્રવેશ કરવા માટે માત્ર 173 રન કરવાની જરૂર છે અને તેના બેટ્સમેનો જે ફોર્મમાં છે તેના કારણે એ મુશ્કેલ લાગતું નથી.

પાકિસ્તાન વતી હૈદર અલી અને કેપ્ટન રોહેલ નઝીરે અર્ધસદી ફટકારી છતાં અન્ય બેટ્સમેનો તેમને જોઇએ તેવો સાથ આપી શક્યા નહોતા. ભારત વતી સુશાંત મિશ્રાએ 8.1 ઓવરમાં 28 રન આપીને 3, જ્યારે કાર્તિક ત્યાગીએ 8 ઓવરમાં 32 રન આપીને 2 તેમજ રવિ બિશ્નોઇએ 10 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ ઉપાડી હતી. આ સિવાય અર્થવ અંકોલેકર તેમજ યશસ્વી જયસ્વાલે 1-1 વિકેટ લીધી હતી.