ગુજરાતમાં ટકોરા દેતો કોરોના વાયરસ, મહેસાણામાં એક, સાબરકાંઠામાં બે શંકાસ્પદ કેસ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસ શું ગુજરાતમાં ટકોરા દઈ રહ્યો છે? ગુજરાત સરકાર દ્વારા અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે ચીનથી આવી રહેલા વિદ્યાર્થીઓનું સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાનમાં મહેસાણામાં એક અને સાબરકાંઠામાં બે શંકાસ્પદ કેસ જણાતા દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખીને તેના રિપોર્ટ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.

ચીનમાં પ્રસરેલા કોરોના વાઈરસને કારણે ગત્ ૧૩ જાન્યુઆરીએ વતન પરત ફરેલી મહેસાણાની મેડિકલની વિદ્યાર્થીનીને સ્ક્રિનિંગ પછી ઘરે ગયા પછી ખાંસી અને તાવની ફરિયાદ ઊઠતા સિવિલમાં બનાવેલા આઈસોલેશન વોર્ડમાં ખસેડાઈ હતી. અહીં તેનો રિપોર્ટ કરાવી પૂણે લેબમાં મોકલી આપ્યો હતો. તો સાબરકાંઠાના બે વિદ્યાર્થી સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતા તેમને પણ આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.

દરમિયાન સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાના ૪ર અને સાબરકાંઠાના પ છાત્રોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સોનીએ કહ્યું કે, રિપોર્ટ આવ્યા પછી ચોક્કસ કહી શકાય. હાલ યુવતી આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં છે. હાલ મેડિકલ અને પેરામેડિકલ ટીમ ચીનથી આવેલા તમામ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે.

સ્ટેટ મેડિકલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના સૂત્રોએ કહ્યું કે, ગુજરાતમાં ચીનથી પરત આવેલા મુસાફરોનું જે-તે જિલ્લામાં મેડિકલ ચેકઅપ કરાયું છે. અત્યાર સુધીમાં પ૧૪ મુસાફરોનું ચેકઅપ થયું છે, જેમાં કોઈને તકલીફ જણાઈ નથી. સોમવારે બનાસકાંઠામાં ૪ર, સાબરકાંઠામાં પ સહિત રાજ્યના ર૧૭ મુસાફરોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ઉલ્લેખનિય છે કે, ચીનમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારથી અહીં રહેતા છાત્રો, વેપારીઓ, કંપનીઓમાં જોબ કરતા કર્મચારીઓ વગેરે ભારત પરત આવી રહ્યા છે, જેને લઈ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચીનથી પરત આવતા મુસાફરોનું પ્રત્યેક જિલ્લામાં મેડિકલ ટીમ દ્વારા સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે.