શાહીન બાગ ફાયરીંગમાં મોટો ખુલાસો, ફાયરીંગ કરનાર કપિલ ગુર્જર છે AAPનો કાર્યકર

દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શન સ્થળ પર ફાયરીંક કરનાર કપિલ ગુર્જર નામના યુવાન અંગે દિલ્હી પોલીસે મોટો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ કપિલ આમ આદમી પાર્ટીનો કાર્યકર છે અને તેનો સત્તાવાર મેમ્બર પણ છે. ઘટનાસ્થળેથી જ ધરપકડ કરાયેલા કપિલ ફોટોમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ અને કાલકાજીના ઉમેદવાર આતિશી સાથે જોવા મળી રહ્યો છે. આ ફોટો તે સમયના છે જ્યારે કપિલે 2019માં આપની મેમ્બરશીપ લીધી હતી. આઠમી ફેબ્રુઆરીએ થઈ રહેલી ચૂંટણીમાં આ ફોટોથી મોટો ભૂકંપ આવવાની શક્યતા જોવા મળી રહી છે.

પૂછપરછ દરમિયાન દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચને કપિલના ફોન પરથી અનેક ફોટો મળ્યા છે,  જેમાં AAP સાથે જોડાવા સંબંધિત ફોટો પણ સામેલ છે. આ ફોટોમાં કપિલ તેના પિતા અને અન્ય ઘણા લોકો સાથે AAPની મેમ્બરશીપ ધારણ કરી રહ્યો છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી રાજેશ દેવે જણાવ્યું હતું કે, અમારી પ્રારંભિક તપાસમાં અમને કપિલના ફોન પરથી કેટલાક ફોટો મળ્યા છે જે આ સાબિત કરે છે કે તેણે અને તેના પિતાઓ એક વર્ષ પહેલા AAPને જોઈન કરી હતી. હાલ પોલીસે કપિલને બે દિવસના રીમાન્ડ પર લીધો છે.

નોંધનીય છે કે દલ્લુપુરામાં રહેતા કપિલે ફાયરિંગ દરમિયાન ઘટના સ્થળે ‘જય શ્રી રામ’ ના નારા લગાવ્યા હતા અને એમ પણ કહ્યું હતું કે ઈસ દેશ મેં સિર્ફ હિન્દુઓં કી ચલેગી. કપિલને મેટ્રોપોલિટન જજ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

આ ઘટના બાદ સીએમ અરવિંદ કેજરીવાલે રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ગૃહમંત્રી અમિત શાહને ઘેર્યા હતા. હવે ગુર્જર ‘ AAP’નો મેમ્બર હોવાની વાત સામે આવતા ભાજપ દ્વારા AAP પર જોરદાર હૂમલો કરે તેવી શક્યતા છે.