અમરેલી: માતાની બાજૂમાં ઉંઘતા પાંચ વર્ષના બાળકને ગળું પકડી ઉઠાવી ગઈ સિંહણ, વાંચો અરેરાટીપૂર્ણ ઘટના વિશે

અમરેલીના રાજુલા તાલુકાના ઉચેયા-ભચાદર ગામમાં સિંહણે પાંચ વર્ષીય બાળકનો શિકાર કર્યો. સિંહણ  બાળકને ગળે પકડીને લઈ ગઈ હતી. બાળક તેની માતાની બાજૂમાં ઉંઘી રહ્યો હતો ત્યારે સિંહણે શિકાર કર્યો હતો. સિંહણે બાળકના અડધું માથું અને અડધું શરીર ફાડી ખાદ્યા બાદ તેની લાશને જંગલની ઝાડી-ઝાંખરીમાં છોડી ગઈ હતી. શોધખોળ કરાતા બાળક મૃત હાલતમાં મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી.

મૃતક બાળકના કાકા રમેશભાઇએ જણાવ્યું હતું કે પાંચ વર્ષનું બાળક મોડી રાત્રે તેમની ભાભી સાથે સૂઈ રહ્યો હતો. પછી સિંહણ તેના ભત્રીજાને લઈને જંગલ તરફ દોડી ગઈ. જોકે, બાળકનો રડવાનો અવાજ સાંભળીને પરિવાર જાગી ગયો હતો. અને સિંહણનો પીછો કરવામાં આવ્યો હતો. પરંતુ સવારે ચાર વાગ્યાની આસપાસ બાળક મૃત હાલતમાં મળી આવ્યો હતો.

આ કેસની માહિતી મળતાની સાથે જ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને સિંહણને પકડવાના પ્રયાસો શરૂ કરાયા છે. પરંતુ આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે. જણાવી દઈએ કે, આ જ વિસ્તારમાં સિંહો દ્વારા માણસના શિકારના ત્રણ કેસ અગાઉ પણ નોંધાયા છે.