કેરળ સરકારે કોરોના વાયરસને સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કર્યું

કેરળ સરકારે કોરોના વાયરસને સ્ટેટ ડિઝાસ્ટર જાહેર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધી ત્રણ કેસ નોંધાયા છે. દરેક લોકો થોડા દિવસ પહેલા જ ચીનના સૌથી વધુ પ્રભાવિત શહેર વુહાનથી પરત આવ્યા છે. અંદાજે 1800 લોકોને તેમના ઘરમાં ઓબ્ઝર્વેશનમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે. ચીનમાં મંગળવાર સુધી કોરોના વાયરસના કારણે 430 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 20,430થી વધુ કેસ નોંધાયા છે.

ચીનના 15થી વધારે શહેરોને લોકડાઉન કરવામાં આવ્યા છે. તેનાથી અંદાજે 6 કરોડ લોકોના ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સમગ્ર દુનિયાના ડોક્ટર્સ વૈશ્વિક મહામારી રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કોરોના સતત ફેલાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા અને ચીન સિવાય અન્ય સાત દેશોમાં કોરોનાનું ઈન્ફેક્શન ફેલાયું છે.

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, કેન્દ્રીય નાગરિક ઊડ્ડયન મંત્રી હરદીપ પુરી, વિદેશ મંત્રી એસ જયશંકર, રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી, અશ્વિની કુમાર ચૌબે અને મનસુખ લાલની એક કમિટી બનાવવામાં આવી છે. તેઓ સતત કોરોના વાયરસ રોકવાનો પ્રયત્ન કરશે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખશે.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરે અસ્થાયી રીતે અન્ય દેશોના તે નાગરિકોના આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જેમણે તાજેતરમાં ચીનની યાત્રા કરી હોય. વિયેતનામે પણ ચીનથી આવતી-જતી દરેક ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાએ ત્રીજી ફેબ્રુઆરીથી ચીન સાથેની રેલવે સેવા સસ્પેન્ડ કરી દીધી છે. ભારત, અમેરિકા, જર્મની, ઈરાન અને શ્રીલંકા સહિત ઘણાં દેશોએ ચીનથી તેમના નાગરિકોને પરત બોલાવી લીધા છે. નેપાળ પણ તેના દેશના લોકોને પરત બોલાવી રહ્યા છે. ચીનમાં કોરોના વાયરસનો પહેલો કેસ ડિસેમ્બરમાં વુહાનમાં નોંધાયો હતો.