કોરોના વાયરસ ઇફેક્ટ : લોકો ચાઉમીન નૂડલ્સ અને ફ્રાઇડ રાઇસથી પણ દૂર રહેવા લાગ્યા

કોરોના વાયરસને કારણે ચીનથી આવનારા લોકોને શંકાની નજરે જોઇને તેની સાથે આભડછેટ રાખે કે તેનાથી દૂર રહે તે સમજી શકાય તેવી બાબત છે પણ આ વાયરસથી ડરીને ચાઉમીન નૂડલ્સ અને ફ્રાઇડ રાઇસ જેવી નિર્દોષ ચાઇનીઝ વાનગીઓથી ડરીને તેનાથી દૂર રહેવાનું કેટલું વાજબી ગણી શકાય.

દુનિયાભરમાં લોકોએ ચીની કોરોના વાયરસથી બચવા માટે ચાઉમીન અને ફ્રાઇડ રાઇસ સુધી ખાવાનું બંધ કરી દીધું છે. આ વાયરસના ખતરાથી પોતાને બચાવવા માટે લોકોએ ચીન રેસ્ટોરન્ટ જવાનું ટાળી રહ્યા છે. વિભિન્ન મીડિયા રિપોટ્સ અનુસાર ચીની કોરોના વાયરસનો સૌથી મોટો પ્રભાવ ચાઇનીઝ ભોજન પીરસનાર રેસ્ટોરન્ટ્સમાં પડી રહ્યા છે. અમેરિકા, વિયતનામ, ફિલીપિન્સ અને યૂરોપ સહિત તમામ દેશોમાં લોકોએ ચાઇનીઝ રેસ્ટોરેન્ટ્સમાં ખાવાનું બંધ કરી દીધું છે.

અમેરિકામાં તેનો સૌથી વધુ પ્રભાવ પડી રહ્યો છે. લોકો હવે ચાઉમીન, ફ્રાઇડ રાઇસ અને ચિકન રોલ્સ ખાવાના બદલે બર્ગર અને હોટ ડોગને મહત્વ આપી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે આખી દુનિયામાં ચાઇનીઝ વ્યંજનો પર કોરોના વાયરસની ખરાબ અસર પડી રહી છે. આ દરમિયાન વિભિન્ન સોશિયલ સાઇટો અને લેખો દ્વારા ચીની નાગરિક પોતાના વ્યંજનોના બચાવમાં આવી ગયા છે. ચીની લોકોનું કહેવું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ બચાવ લિસ્ટમાં ચાઇનીઝ ફૂડનો કયાંય ઉલ્લેખ કર્યો નથી. આ લોકોનું કહેવું છે કે ચીની ભોજન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને લોકોને તેને ભોજનથી કોઇ સંક્રમણ ફેલાતું નથી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા જાહેર નિવેદન અનુસાર અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણથી ૨૦ દેશો પ્રભાવિત થઇ ચૂકયા છે. ચીનની બહાર લગભગ ૧૩૦ કેસ અલગ-અલગ દેશમાંથી નોંધાયા છે. ફકત અમેરિકામાં જ આઠ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણના લીધે અત્યાર સુધી ૩૬૦ લોકોના મોત નિપજયા છે. આ ઉપરાંત ચીન સહિત દુનિયામાં આ જીવલેણ સંક્રમણ ૧૭,૦૦૦ લોકો પીડાય છે.