મહિલા હતી ફોટા પાડવામાં મશગૂલ અને એકદમ નજીક આવી ચડ્યું ખૂંખાર રીંછ

આજના સમયમાં ફોટાઓ પાડવા કે સેલ્ફી ખેંચવામાં લોકો એવા મશગૂલ થઇ જાય છે કે તેમને આજુબાજુનું કંઇ ભાન નથી રહેતું , તેમાં પણ પર્યટન સ્થળોએ તો આ ક્રેઝ વધુ જોવા મળે છે. આવું જ એક ઉદાહરણ અમેરિકામાં જોવા મળ્યું હતું.

અમેરિકાના મોન્ટાના ખાતે આવેલા ગ્લેશિયર નેશનલ પાર્કમાં ફરવા આવેલી એક યુવતિ ત્યાં પોતાના કેમેરા વડે ફોટા પાડવામાં એટલી મશગૂલ બની ગઇ હતી કે તેની તદ્દન નજીક ઉત્તર અમેરિકાનું હિંસક બદામી રીંછ આવી ગયું હતું તેની પણ તેને ખબર પડી ન હતી. આ રૂંવાડા ઉભા કરી દે તેવી ક્ષણોની તસવીર ડો. બ્રિયાન કર્ટિસ નામના એક અન્ય પર્યટકે ખેંચી લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે ગ્રિઝલી બેઅરના નામે ઓળખાતું આ રીંછ આ છોકરીથી થોડા ફૂટના અંતરે જ હતું. આ રીંછ આવી ચડતાં આ યુવતિ સાથેના તેના કુટુંબીજનો અને મિત્રો દૂર ભાગી ગયા હતા અને ફોટા ખેંચવામાં મશગૂલ આ યુવતિ એકલી જ ત્યાં રહી ગઇ હતી. જો કે સદભાગ્યે રીંછ જતું રહ્યું હતું અને કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી.