સંસદમાં ભારે હંગામો: CAA-NRCને લઈ વિપક્ષનો સરકાર પર હલ્લાબોલ

રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચા દરમિયાન સંસદના બન્ને ગૃહોમાં વિપક્ષો દ્વારા CAA-NRCને લઈ ભારે શોરબકોર અને હંગામો કરવામાં આવ્યો હતો. રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી જ્યારે લોકસભાની કાર્યવાહી બપોર સુધી સ્થગિત રહી હતી.ગૃહમાં કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરને વિપક્ષોએ બોલતા અટકાવ્યા હતાં અને ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.

સંસદમાં કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર બોલવા ઊભા થતા જ વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો અને તેમને બોલતા અટકાવી દીધા હતાં અને વિપક્ષના સભ્યોએ ‘ગોળી મારના બંધ કરો… દેશ કો તોડના બંધ કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતાં અને ભારે હોબાળો શરૃ થઈ ગયો હતો. સાંસદોએ સીએએ અને એનઆરસીના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપે, તેવી માંગણી ઊઠાવી હતી.

સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જામિયાનો મુદ્દો ઊઠાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અને દીકરીઓને માર મારવામાં આવી રહ્યો છે, ગોળીઓ છોડવામાં આવી રહી છે, જે સરકાર માટે શરમજનક છે.

તૃણમુલ કોંગ્રેસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણમાં સીએએ, એનઆરસી અને કાશ્મીરના પ્રતિબંધોનો ઉલ્લેખ નહીં હોવાનો વિરોધ કરીને આ મુદ્દાઓ ઉમેરવાની માંગણી કરી હતી. વિવિધ પક્ષોએ અલગ-અલગ મુદ્દે સ્થગન પ્રસ્તાવ પણ આપ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંસદના બજેટ સત્રની રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દના અભિભાષણની સાથે શરૃઆત થઇ હતી. ત્યારબાદ શનિવારના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યુ હતુ. બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ આજે સંસદની કાર્યવાહીના પ્રથમ દિવસે જોરદાર હોબાળો થયો હતો. લોકસભા અને રાજ્યસભા બંનેમાં વિપક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. તે પછી રાજયસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી.