બિગ બ્રેકિંગ : રોહિત શર્મા ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ-વન ડે સીરિઝમાંથી આઉટ

ન્યુઝીલેન્ડ સામેની અંતિમ ટી-20 મેચ દરમિયાન પીંડીમાં ઇજા થવાને કારણે રિટાયર્ડ હર્ટ થયેલા રોહિત શર્મા માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે અને તે એ છે કે આ ઇજાને કારણે તે હવે ન્યુઝીલેન્ડ સામેની આગામી વન ડે અને ટેસ્ટ સીરિઝમાંથી આઉટ થઇ ગયો છે. અંતિમ ટી-20માં તેને ઇજા થઇ હતી અને તે દરમિયાન તે પીડાથી કણસતો જોવા મળ્યો હતો.

રોહિતને પીડીના સ્નાયુ ખેંચાઇ ગયા હતા અને તેના કારણે તેને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું હતું કે રોહિત આગામી વન ડે અને ટેસ્ટ સીરિઝમાંથી આઉટ થઇ ગયો છે. હજુ આ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી હોવાનું પણ તેમના દ્વારા જણાવાયું છે. વન ડે સીરિઝ બુધવારથી શરૂ થઇ રહી છે, ત્યારે આજે મોડેથી આ જાહેરાત કરવામાં આવશે એવું તેમના દ્વારા કહેવાયું હતું.તેના રિપ્લેસમેન્ટ અંગે પણ ત્યારે જ જાહેરાત કરવામાં આવી શકે છે એવું પણ તેમના દ્વાર કહેવાયું હતું.

રોહિત શર્મા અંતિમ ટી-20માં બેટિંગ દરમિયાન ઘાયલ થયા પછી ફિલ્ડીંગ કરવા પણ ઉતર્યો નહોતો અને વિરાટ કોહલીને આરામ અપાયો હોવાથી કારણે એ મેચમાં કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. હાલના પ્રવાસને ધ્યાને લેતા રોહિત ઇજાને કારણે આઉટ થઇ જવાથી ભારતના ન્યુઝીલેન્ડ સામેના વિજય અભિયાનને મોટો ફટકો પડી શકે તેમ છે.