વડોદરામાં અનોખા લગ્ન: વરરાજા નહીં પણ નવવધુ ચઢી ઘોડે, ધામધૂમપૂર્વક નીકળી જાન

સામાન્ય રીતે લગ્નોમાં વરરાજા ઘોડે સવાર થઈ સરઘસ સાથે વરવધુ પાસે જાય છે. પરંતુ વડોદરાના ગોત્રી ગામે અનોખા લગ્ન કરવામાં આવ્યા હતા. જેમાં દુલ્હન ઘોડાની બગીમાં સવાર થઈને વરરાજા પાસે પહોંચી હતી. આટલું જ નહીં લગ્નના સરઘસને બદલે દુલ્હનના પરિવારજનો ડીજેની બીટ ઉપર ઝૂમવા લાગ્યા. પુત્ર અને પુત્રીને સમાન માનતા દુલ્હનનના પિતાએ આ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે વસંત પંચમીના શુભ પ્રસંગે પ્રવિણભાઇ બ્રહ્મભટ્ટની પુત્રી પ્રાચીના લગ્ન વડોદરાના યુવાન સાથે થયા હતા. આ પ્રસંગે બ્રહ્મભટ્ટ પરિવારે પ્રાચીને ઘોડાની બગીમાં બેસાડીને જાન કાઢી હતી અને આખા ગામમાં પ્રાચીના મામાઓ ડીજેની બીટ ઉપર ઝૂમીને તેને વરરાજા પાસે લાવ્યા હતા. આ અનોખી જાનને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અને પ્રાચીના પિતા પ્રવિણભાઇના નિર્ણયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ અનોખા લગ્ન વિષે પ્રાચીએ જણાવ્યું હતું કે, મારા પિતા પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ તફાવતમાં માનતા નથી. જેના કારણે તેમણે પુત્રની જેમ મારી જાન કાઢવાનો નિર્ણય કર્યો અને અમારા સગાઓ પણ આ નિર્ણયમાં સાથે રહ્યા અને મારા પિતાના નિર્ણયને માન આપી જાનમાં જોડાયા. આખા ગામમાં જાન ફરી તેના કારણે હું ખૂબ જ ખુશ છું. જ્યારે પ્રાચીના પિતરાઇ ભાઈ ઉમંગે જણાવ્યું હતું કે વડોદરા, આખું ગુજરાત નહીં, કદાચ આ પહેલા લગ્ન છે જેમાં યુવતીના પરિવાર દ્વારા જાન કાઢવામાં આવી હશે. હું માનું છું કે બહેન અને દીકરીઓને આવી જ રીતે ધામધૂમથી વિદાય કરવી જોઈએ.