લંડનમાં એક શખ્સે અનેક લોકોને ચપ્પુના ઘા માર્યા : હુમલાખોરને પોલીસે ઠાર માર્યો

સાઉથ લંડનમાં એક શખ્સે ભીડભર્યા વિસ્તારમાં લોકોને ચપ્પુના ઘા માર્યા હતા. ધોળે દિવસે એક વ્યસ્ત બજારમાં થયેલા આ બનાવ બાદ પોલીસે તે શખ્સને ઠાર માર્યો હતો. સાઉથ લંડનના સ્ટ્રીથેમમાં હાઈ રોડ પર આવેલા સુપર માર્કેટની બહાર આ હુમલો કરાયો હતો, હુમલા બાદ પોલીસ અધિકારીઓ બનાવના સ્થળે ધસી ગયા હતા. આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો તે તરત સ્પષ્ટ થયું ન હતું પણ તેને ત્રાસવાદને લગતા બનાવ તરીકે ગણીને પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે ટિ્વટર પર લોકોને ચેતવણી આપતા પોલીસે તેમને આ વિસ્તારથી દૂર રહેવા કહ્યું હતું. આ હુમલામાં અનેક લોકોને ઇજા થઇ છે એમ કહેવાય છે અને કેટલાક ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરનું નામ અને ઓળખ તરત મળી શક્યાં ન હતા. આ બનાવને અત્યારે તો ત્રાસવાદને લગતો બનાવ જાહેર કરીને તપાસ શરૂ કરવામાં આવી છે એમ પોલીસે જણાવ્યું હતું.

બનાવની માહિતી મળતા આપદા સેવાઓ જેમ કે એમ્બ્યુલન્સ અને સશસ્ત્ર પોલીસ બનાવ સ્થળે ધસી ગયા હતા.કેટલાક સાક્ષીઓએ જણાવ્યું હતું કે તે શખ્સ પાસે ચપ્પુ હતું.ખરીદી કરવા અને ફરવા આવેલા લોકોને પોલીસે ત્યાંથી પાછા જતા રહેવા કહ્યું હતું. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દોષી ત્રાસવાદી ઉસ્માન ખાને લંડન બ્રિજ વિસ્તારમાં ચપ્પુથી લોકો પર હુમલો કર્યો હતો ત્યારબાદ જાહેરમાં ચપ્પુથી હુમલાનો આ બીજો બનાવ છે.

લંડન શહેરમાં જાહેરમાં ગોળીબાર અને ચાકુ વડે હુમલાના છેલ્લા કેટલાક સમયમાં અનેક બનાવો બન્યા છે અને તે લોકોમાં ભારે ગભરાટ ફેલાવનારા બની રહ્યા છે. બ્રિટનની રાજધાનીના આ શહેર ઉપરાંત યુરોપના અન્ય દેશોમાં પણ આવા ચાકુ હુમલાના કેટલાક બનાવો છેલ્લા કેટલાક સમયમાં બન્યા છે. હાલમાં સખત ચેકીંગ વગેરેને કારણે યુરોપના દેશોમાં બંદુક, બોમ્બ જેવા હથિયારો લઇ જવાનું મુશકેલ બન્યા બાદ આવા ચાકુ વડે કે વાહન ચડાવી દઇને કરવામાં આવતા હુમલાના બનાવો વધી ગયા છે.