પહેલીવાર બે ગુજરાતી પ્લેયર વચ્ચે રમાઇ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ફાઇનલ, માનવને હરાવી હરમીત જીત્યો

હૈદરાબાદમાં 81મી નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની રવિવારે રમાયેલી ફાઇનલમાં મહત્વની બાબત જોવા મળી હતી અને તે એ કે નેશનલ લેવલની મોટી ટૂર્નામેન્ટની ફાઇન બે સુરતી ખેલાડીઓ વચ્ચે રમાઇ હતી. પહેલીનાર નેશનલ લેવલની ફાઇનલ ઓલ ગુજરાત રહી હતી અને તે આ ટૂર્નામેન્ટમાં એક અલગ ઇતિહાસ કાયમ કરી ગયો હતો.

નેશનલ ચેમ્પિયનશિપની ફાઇનલમાં  છઠ્ઠા ક્રમાંકિત સુરતના હરમીત દેસાઇએ ચોથા ક્રમાંકિત સુરતના જ ખેલાડી માનવ ઠક્કરને 4-3થી હરાવીને પોતાનું પહેલું નેશનલ ટાઇટલ જીત્યું હતુ. આ સાથે જ નેશનલ ચેમ્પિયન બનનારો હરમીત દેસાઇ ગુજરાતનો પહેલો ખેલાડી બન્યો હતો. મહિલા વિભાગમાં હરિયાણાની સુતિર્થા મુખર્જીએ પોતાનું બીજું નેશનલ ટાઇટલ જીત્યું હતું .

હરમિતે માનવને ફાઇનલમાં 11-4, 11-13, 14-12, 9-11, 11-8, 5-11, 11-5થી હરાવ્યો હતો. હરમિતે કહ્યું હતું કે હું અને માનવ સાથે ઘણું રમ્યા છીએ અને મને એ ખબર છે કે જ્યારે તે તમારી સાથે લાંબી રેલીમાં સપડાય છે તો મોટાભાગે તે જીતી શકતો નથી. છઠ્ઠા સેટમાં મેં જે ભુલ કરી તેના પગલે મેં વિચાર્યું અને નિર્ણાયક સેટમાં મારી જાતને શાંતચિત્ત કરવાનો નિર્ણય કર્યો અને તેનાથી હું જીત્યો. હરમીત સામે પરાજીત થયેલા માનવ ઠકકરે સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.