જામિયા ગેટ નંબર 5 બહાર ફાયરિંગ : લાલ સ્કૂટી પર સવાર હતા હુમલાખોર

દિલ્હીની જામિયા મિલિયા યૂનિવર્સિટીના્ ગેટ નંબર 5 નજીક રવિવારે રાત્રે અંદાજે 12.00 વાગ્યાની આસપાસ ફાયરિંગની ઘટના બની હતી. એવું કહેવાય છે કે સ્કૂટી પર સવાર બે વ્યક્તિએ આવીને ગોળીબાર કર્યો હતો. ઘટનાસ્થળે હાજર તમામે આ લોકોને ત્યાંથી ભાગતા જોયા હતા, તાજેતરના દિવસોમાં ફાયરિંગની આ પ્રકારની આ ત્રીજી ઘટના બની છે.

રવિવારની રાત્રે થયેલા ગોળીબાર પછી નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે ફાયરિંગ કરનારા શખ્સ લાલ રંગની સ્કૂટી પર સવાર થઇને આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ત્યાં હાજર વિદ્યાર્થીઓંમાં આ ગોળીબારને કારણે નાસભાગ મચી હતી. તેમને એ બાબતે નારાજગી હતી કે પોલીસ તૈનાત હોવા છતાં આ પ્રકારની ઘટના કઇ રીતે બની રહી છે.

જામિયા કોઓર્ડિનેશન કમિટીના સભ્ય મીરાન હૈદરે ગોળીબાર થયો હોવાની વાત સ્વીકારી છે. કમિટીના સભ્ય હેદરે જણાવ્યું હતું કે ગેટ નંબર 5ની પાસે અજાણ્યા લોકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ગોળીબારમાં કોઇને ઇજા થયાના અહેવાલ નથી ડીસીપીએ આ બાબતે કહ્યું હતું કે એસએચઓ ઘટનાસ્થળે જવા રવાના થયા છે અને ઘટના અંગે તપાસ ચાલી રહી છે.

સ્કૂટી પર સવાર બે અજાણ્યાઓ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું અને તે પછી તેઓ ભાગી છુટ્યા હતા. હૈદરે જણાવ્યું હતું કે ગોળીબારમાં કોઇ ઘાયલ થયું નથી. જો કે ઘટનાને પગલે આ વિસ્તારમાં તંગદીલી વ્યાપી છે. પોલીસ ઘટનાસ્થળે આવતા અમે તેમને સ્કૂટીનો નંબર આપ્યો છે. તે પછી પોલીસે ગુનેગારને પકડવા માટે બે કલાકનો સમય માગ્યો હોવાનું હૈદરે જણાવ્યું હતું.