જ્યારે આસામમાં નદી અચાનક ભડભડ સળગવા માંડી

આસામના દિબ્રુગઢ જિલ્લાના નહરકટિયાના સાસોની ગામ પાસે આવેલા દિધોલિબિલ વિસ્તારમાંથી વહેતી બુરહી દિહિંગ નદીમાં અચાનક આગ લાગી હતી અને તે જાણે કોઇ પેટ્રોલ કે કેરોસીનની નદી હોય તેમ ભડભડ સળગવા માંડી હતી. આ અંગે એવું કહેવાયું હતું કે આ આગ નદી પાસેથી પસાર થતી ઓઇલ પાઇપલાઇન ફાટી જતાં લાગી હતી. તેની અગન જવાળાને કારણે દૂર દૂર સુધી કાળો ધુમાડો છવાયો હતો અને આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારની હવા ગરમ અને પ્રદુષિત બની હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઓઇલ ઇન્ડિયા લિમિટેડ દુલિયાજન પ્રોજેક્ટમાંથી ક્રુડ ઓઇલ નદીની સાથે જોડાયેલી એક પાણીની પાઇપ વડે આવ્યું હતું, ગ્રામજનોને એવી આશંકા છે કે કેટલાક ભાંગફોડિયા તત્વોએ ક્રુડ ઓઇલ નદીમાં આવ્યા પછી તેમાં આગ લગાવી હતી. જો કે સાચુ કારણ તો તપાસ કર્યા પછી જ સામે આવશે. સોમવારે બપોર સુધી આ આગ સળગતી રહી હતી અને લોકો દ્વારા અધિકારીઓને તેના પર વેળાસર કાબુ મેળવવાની અપીલ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર ગ્રામજનોએ 3 દિવસ પહેલા જ નદીમાં આગ લાગી હોવાની માહિતી આપી હતી અને સ્થાનિક તંત્રને તેનાથી માહિતગાર કર્યું હતું. જો કે અધિકારીઓ દ્વારા હજુ સુધી આ આગને બુઝાવવા કે તેને ઓછી કરવાનું કોઇ કામ કર્યું નથી. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર આ આગના ફોટાઓ અને વીડિયો ફરતાં થયા છે.