રેપ કેસમાં સંડોવાયેલા ભાજપના નેતા ચિન્મયાનંદને મળ્યા જામીન

રેપ કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા સ્વામી ચિન્મયાનંદને સોમવારે જામીન મળી ગયા છે. અલાહાબાદ હાઈકોર્ટે સોમવારે જામીન અરજી પર સુનાવણી કરતી વખતે ચિન્મયાનંદને જામીન આપવાનો નિર્ણય કર્યો હતો. હાઇ કોર્ટે 16 નવેમ્બરના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.

ચિન્મયાનંદ પર તેમની પોતાની જ કોલેજ સ્વામી શુક્દેવાનંદ લો કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે જાતીય શોષણનો આરોપ મૂકાયો હતો. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એસઆઈટી તપાસ ચાલી રહી છે. ગયા મહિનાની શરૂઆતમાં અલ્હાબાદ હાઈ કોર્ટે શાહજહાંપુરના એલએલએમ વિદ્યાર્થિનીના જાતીય શોષણના આરોપમાં ઘણા મહિનાઓથી જેલમાં રહેલા ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સ્વામી ચિન્મયાનંદની અરજી નામંજૂર કરી હતી.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર કેસની દેખરેખ રાખી રહેલી અલ્હાબાદ હાઈકોર્ટની ડિવિઝન બેંચે સ્વામી ચિન્મયાનંદની અરજી નામંજૂર કરી હતી, જેમાં તેણે મોનિટરિંગ કેસમાં પક્ષકાર બનવાની અરજી કરી હતી. સ્વામી ચિન્મયાનંદની અરજી નામંજૂર કરવા ઉપરાંત મોનિટરિંગ કેસમાં સુનાવણી પૂર્ણ થતાં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો જજમેન્ટ રિઝર્વ રાખ્યો હતો.