ત્રિકોણીય સીરિઝમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતીય મહિલા ટીમે ફિલ્ડીંગના લેવલને વધુ ઉપર લઇ જવાની જરૂર

ભારતીય મહિલા ટીમ રવિવારે અહીં ત્રિકોણીય સીરિઝની પોતાની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમણે બીજું કંઇ નહીં પણ પોતાની ફિલ્ડીંગના લેવલને વધુ ઉપર ઉઠાવવું પડશે. ભારતીય મહિલા ટીમે શનિવારે ઇંગ્લેન્ડની ટીમ સામે 5 વિકેટે જીત મેળવી છે અને તેમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ઉચ્ચકક્ષાનું રહ્યું હતું.

ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે હારી હોવાથી તે ભારતીય ટીમ સામે તેનો બદલો વાળવાનો પ્રયાસ કરી શકે છે. હરમનપ્રીતે ઇંગ્લેન્ડ સામેની મેચ પછી કહ્યું હતું કે મને ખુશી છે કે અમારા યુવા ખેલાડી સ્વતંત્રતાથી રમી શક્યા પણ અમારે ફિલ્ડીંગ પર મહેનત કરવી પડશે. એ ઉલ્લેખનીય છે કે 2018માં રમાયેલી ત્રિકોણીય સીરિઝમાં ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે બંને મેચ હારી હતી.